માર્ક ઝકરબર્ગે અચાનક ફેસબુકનું નામ અને લોગો બદલયો, જાણો હવે ક્યા નામથી ઓળખાશે કંપની
ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતમાં ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું છે. કંપનીની કનેક્ટ ઇવેન્ટમાં આની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન ફેસબુક તરફથી ટ્વિટર પર લખવામાં આવ્યું હતું કે, “ફેસબુકનું નવું નામ મેટા હશે. મેટા મેટાવર્સ બનાવવામાં મદદ કરશે. એક એવી જગ્યા જ્યાં આપણે રમીશું અને 3D ટેકનોલોજી દ્વારા એકબીજા સાથે કનેક્ટ થઈશું. સામાજિક જોડાણના આગલા પ્રકરણમાં આપનું સ્વાગત છે.” ફેસબુક દ્વારા 15 સેકન્ડનો એક વિડિયો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે ફેસબુકનું નામ બદલીને હવે મેટા કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં મેટાનો લોગો પણ બહાર પાડવામાં આવ્યો છે. મેટાનો લોગો વર્ટિકલ આઈ (8) ની રેખાઓ પર વાદળી રંગમાં બહાર પાડવામાં આવ્યો છે.
ગયા મહિને ફેસબુકે તેના મેટાવર્સ બનાવવાની યોજના વિશે માહિતી આપી હતી. મેટાવર્સ શબ્દનો ઉપયોગ ડિજિટલ વિશ્વમાં વર્ચ્યુઅલ, ઇન્ટરેક્ટિવ સ્પેસને જાણવા અને સમજવા માટે થાય છે. મેટાવર્સ એ એક વર્ચ્યુઅલ વિશ્વ છે જ્યાં વ્યક્તિ ભૌતિક રીતે હાજર ન હોવા છતાં પણ અસ્તિત્વમાં હોઈ શકે છે.
ફેસબુક દ્વારા આ નામ એવા સમયે બદલવામાં આવ્યું છે જ્યારે ઘણા દેશોમાં કંપની સામે ઓનલાઈન સેફ્ટી, ભડકાઉ સામગ્રીને રોકવાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ભારત સરકારે ફેસબુકને એક પત્ર પણ મોકલીને સોશિયલ મીડિયા કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા એલ્ગોરિધમ્સ અને પ્રક્રિયાઓની વિગતો માંગી છે.