વાપીમાં મુખ્યપ્રધાનના હસ્તે 588 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ, લોકોને પાઠવી દિવાળીની હાર્દિક શુભકામના
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાપી પહોંચ્યા હતા. અહીં, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાપીમાં રૂપિયા 588 કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું. જેમાં સરકારની માર્ગ મકાન અને પાણી પુરવઠા યોજના સહિતની યોજનાઓના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યા. આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇ , માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા. તો નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી , રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના આદિજાતિ અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અહીં, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી. અને, સીએમએ પોતાના આગવા અંદાજમાં લોકોને દિવાળી નિમિતે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાની આગવી શૈલીમાં હળવી ટકોર પણ કરી હતી. તેમણે ઉપસ્થિત જનમેદનીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે કોરોના મહામારીમાંથી સમગ્ર વિશ્વ જલદી બહાર આવી જાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રના આધારે સમગ્ર દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. આ સાથે જ તેમણે વાપી નગરપાલિકાના વિકાસની ગાથા પણ વર્ણવી છે.