અરૂણાચલ પ્રદેશમાં LAC પર વિવાદાસ્પદ વિસ્તારમાં ચીને એક મોટું ગામ વસાવ્યું : પેન્ટાગોનનો રિપોર્ટ
નવી દિલ્હી :
અરૂણાચલ પ્રદેશમાં વિવાદાસ્પદ વિસ્તારમાં ચીને એક મોટું ગામ વસાવ્યું હોવાના પેન્ટાગોનના રિપોર્ટ પર પહેલી વખત સત્તાવાર પ્રતિક્રિયા આપતાં ભારતે જણાવ્યું હતું કે આપણા ક્ષેત્રમાં આ પ્રકારના ‘ગેરકાયદે કબજા’ને દેશે ક્યારેય સ્વીકાર્યો નથી અને સ્વીકારશે પણ નહીં. વધુમાં દેશની સંપ્રભુતાના રક્ષણ માટે કેન્દ્ર સરકાર યોગ્ય તમામ પગલાં ઉઠાવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતે દાયકાઓથી ગેરકાયદે કબજાવાળા ક્ષેત્રોમાં ચીનની કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી સરહદીય વિસ્તારોમાં રસ્તા અને પુલ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી વધારી છે.
અમેરિકન સંરક્ષણ વિભાગના રિપોર્ટમાં ચીને ભારત-ચીન સરહદ નજીક ગામ વસાવ્યું હોવાનું હતું. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, બેઈજિંગે પહેલા પણ સરહદો નજીકના વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન કર્યા છે. કેટલાક દાયકા અગાઉ ચીને કેટલાક વિસ્તારો ગેરકાયદે રૂપે કબજો કર્યો છે. ભારતે પોતાના ક્ષેત્રમાં આ પ્રકારના ગેરકાયદે કબજાને ક્યારેય સ્વીકાર્યો નથી અને ચીનના અયોગ્ય દાવાઓને માન્યા પણ નથી. ભારતે ચીનના આવા દાવાઓ સામે વાંધો ઉઠાવ્યો છે.
બાગચીના જણાવ્યા મુજબ સરકારે હંમેશા આવી પ્રવૃત્તિઓનો રાજકીય માધ્યમથી તીવ્ર વિરોધ કર્યો છે. વધુમાં સરકારે સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધાર્યું છે, જેમાં રસ્તા અને પુલના બાંધકામનો સમાવેશ થાય છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરહદ પર સ્થાનિક વસતીને જરૂરી કોમ્યુનિકેશન સુવિધાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે સરકાર આજીવિકામાં સુધારાના આશયથી અરૂણાચલ પ્રદેશ સહિત સરહદીય ક્ષેત્રોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા સરકાર કટિબદ્ધ છે. સરકાર દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે બધા જ ઉપાયો કરી રહી છે.