ગાંધીનગર

ગાંધીનગર : ધોળાકૂવા ગામના માર્ગો રૂા. 1.19 કરોડના ખર્ચે ફોરલેન કરાશે, મેયરના હસ્તે કરાયુ ખાતમુહૂર્ત

ગાંધીનગર :

ગાંધીનગર મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સત્તા હાંસલ કરી છે. ત્યારબાદ મેયર-ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી બાદ વિકાસના કાર્યો ઝડપથી થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. એના અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં આવતા ધોળાકુવા ગામમાં જતા રોડને ફોર લેઈન કરવા માટે અને ધોળાકુવા એપ્રોચ રોડ પાસે ફૂટપાથ બનાવવાના કામનું ખાતમુહૂર્ત ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, આ બંને વિકાસલક્ષી કામોનો અંદાજીત ખર્ચ રૂપિયા 1 કરોડ 63 લાખ 78 હજાર 87 હતો, પરંતુ આ કામ માટેનું ટેન્ડર 26.88 ટકા નીચું ભરાયું અને હવે આ બંને કામોને રૂપિયા 1 કરોડ 19 લાખ 75 હજાર 657માં ફાળવવામાં આવ્યાં છે. ધોળાકુવા ગામમાં જતા રોડને ફોર લેઈન કરવા માટે અને ધોળાકુવા એપ્રોચ રોડ પાસેના ફૂટપાથ બનાવવા માટેના કામનો વર્ક ઓર્ડર તા.31 જુલાઈ 2021ના રોજ આપવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર ગાંધીનગર પેરીફેરી વિસ્તારના ગામની પાયાની સુવિધા વિકસાવવાના બજેટમાંથી આ રકમ ફાળવવામાં આવી છે. ત્યારે ઉમા કન્સ્ટ્રક્શનને સોંપાયેલા આ રસ્તાની લંબાઈ 650 મીટર છે. જો કે, હયાત રસ્તો 6.10 મીટર છે. આ રસ્તાને બંને સાઇડથી 7.50 મીટર પહોળો કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ ફોરલેઈન રસ્તાની બંને બાજુ ફૂટપાથની સુવિધા વિકસિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ રસ્તો તૈયાર થશે, એ સાથે જ ગ્રામજનોને આવવા-જવાનો અલગ રસ્તો મળવાથી સરળતા રહેશે અને અકસ્માતની ઘટના ટાળી શકાશે. ટૂંકમાં આ રસ્તો આગામી વિધાનસભા ચૂંટણી પહેલા તૈયાર થઈ જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x