દિલ્હીમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો, દેશમાં અત્યાર સુધીમાં આટલા લોકો થયા સંક્રમિત
દેશમાં ઓમિક્રોને સમગ્ર હાહાકાર મચાવ્યો છે. વેક્સિનના બંને ડોઝ લેનારાઓ પણ નવા વેરિઅન્ટથી સંક્રમિત થઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સંકટ બાદ આજે દિલ્હીમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાતા ચિંતા વધારી દીધી છે.
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો બીજો કેસ દિલ્હીમાં સામે આવ્યો છે. અહીં ઝિમ્બાબ્વેના પ્રવાસીનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રીમાં સાઉથ આફ્રિકા પણ સામેલ છે. આ સાથે ભારતમાં અત્યાર સુધીમાં 33 લોકો કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.
દિલ્હીમાં વિદેશથી આવેલા લોકોમાંથી 27 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તેમના નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 25 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે બે લોકો ઓમિક્રોન પોઝીટીવ મળી આવ્યા છે.
શુક્રવારે દેશમાં ઓમિક્રોનના 9 કેસ નોંધાયા હતા. જેમાંથી મહારાષ્ટ્રમાં 7 અને ગુજરાતના જામનગરમાં 2 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મળી આવેલા કેસોમાંથી ત્રણ કેસ મુંબઈમાં અને 4 કેસ પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યા છે. મુંબઈમાં સંક્રમિત દર્દીઓની ઉંમર 48, 25 અને 37 વર્ષ છે.