વન વિભાગની ભરતીનો મુદ્દો સચિવાલય સુધી પહોંચ્યો, 2018થી પેન્ડીંગ છે ભરતી પ્રક્રિયા
રાજ્યના વન વિભાગની ભરતીનો મુદ્દો સચિવાલય સુધી પહોંચ્યો છે. વર્ષ 2018ની ભરતી પ્રક્રિયા પેન્ડિંગ હોવાથી ઉમેદવારોએ સચિવાલયે પહોંચી રજૂઆત કરી હતી કે, વહેલીતકે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે. દાવો છે કે, હાલ રાજ્યમાં ફોરેસ્ટની 300થી વધુ જગ્યાઓ ખાલી છે. 2018માં ભરતી માટે કુલ 7 લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. જો કે, હજુ સુધી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી.
રાજ્યના વન વિભાગમાં 300થી વધુ જગ્યાઓ માટે વન વિભાગે 4-11-2018ના રોજથી 23-11-2018 સુધી ફોર્મ ભરવાની તારીખ આપી હતી. આ દરમિયાન 7 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 23-12-2018ના રોજ આ પરીક્ષા અને ભરતી મોકૂફ રાખવામાં આવી. આમ છતાં ઉમેદવારોએ તૈયારી છોડી ન હતી. 2018 થી લઈને 2021 પૂરું થવા આવ્યું છતાં આ ભરતીની પ્રક્રિયા હજી સુધી હાથ ધરવામાં આવી નથી.
આ ભરતી માટે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેમણે 2018થી અરણ્ય ભવનમાં 5 થી 7 વાર લેખિતમાં રજૂઆત કરી હતી, ત્યારબાદ દરેક જિલ્લામાં 2 થી 3 વાર આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આ સાથે મુખ્યપ્રધાન, વનપ્રધાન અને રાજ્યપાલને પણ રજૂઆત કરી હતી. છેલ્લે અરણ્ય ભવનમાંથી એક જ જવાબ મળે છે કે જલ્દીથી જલ્દી ટૂંક જ સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.