ગાંધીનગરગુજરાત

હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યાનું સાબિત થયું, પરીક્ષા થઈ શકે છે રદ

ગાંધીનગર :
ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થયું છે. પેપર લીક થયા મામલે ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇમેઇલ કર્યો છે. સાબરકાંઠા પોલીસ પેપર લીક મામલે 10 થી 12 વિરુદ્ધ ગુનો નોંધે તેવી શક્યતા છે. પોલીસને એક પછી એક કડી જોડવામાં સફળતા મળી છે. ગૌણ સેવા આયોગ વધુ એકવાર પરીક્ષા સફળતાથી લેવામાં નિષ્ફળ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પરીક્ષા માટે ફૂલ પ્રૂફ સિસ્ટમ રાખવામાં ગૌણ સેવા ફેઇલ રહ્યું છે. ફરિયાદ નામ જોગ લખાશે તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે સિવાય ગૌણ સેવા આયોગ ફરિયાદી બનશે.
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજસિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયારી દર્શાવી છે.
રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે સરકારે પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ પ્રકરણમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે સરકાર માત્ર પોલીસ ફરિયાદ પૂરતી કામગીરી નહિ કરે, પરંતુ દોષિતોને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી કાર્યવાહી કરશે. સરકાર પેપર લીક કેસમાં કોઈને નહિ છોડે. રાજ્ય સરકાર કોઈના કહેવાથી કે કરવાથી કોઈને દૂર નહિ કરે. સરકાર ક્યારેય પણ આવા લોકોને છાવરતાથી નથી અને રાજ્ય સરકાર પારદર્શક રીતે જ પરીક્ષાઓ લે છે.
ગૃહ વિભાગના સૂત્રો પાસેથી મેળલી જાણકારી મુજબ આ જ મુદ્દે આજે કેટલાક લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. પેપર લીક કરવાની આશંકા તેમજ લીક થયેલા પેપરને ખરીદનારાઓ અને તેના દલાલો વિરૂદ્ધ આજે પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 17થી વધુ લોકોની પૂછપરછ કરાઈ ચૂકી છે અથવા તો અટકાયત કરાઈ ચૂકી છે. સમગ્ર કાંડમાં બે શિક્ષકોની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ જે કારના નંબરો આપ્યા છે તે કાર માલિકોનો સંપર્ક પણ કરાઈ રહ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે આ મુદ્દે ફરિયાદ કોણ નોંધાવશે. ગૌણ સેવા પસંદગી મંડળ ફરિયાદી બનશે કે નહીં તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. તો બીજી તરફ પેપર લીક થયું છે તેવુ પૂરવાર થતુ હોય તે સંજોગોમાં પરીક્ષા રદ કરવી કે નહી તે પણ સ્પષ્ટ નથી. પેપર રદ થયેલુ સત્તાવાર રીતે જાહેર થાય ત્યારબાદ જ આ અંગે નિર્ણય લેવાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x