ગાંધીનગર

ઐતિહાસિક અડાલજની વાવ પાસે બનશે રૂ. 15 કરોડનાં ખર્ચે થીમ પાર્ક

ગાંધીનગર :

પ્રવાસીઓનું આકર્ષણ વધે તે હેતુથી ગાંધીનગર પાસે આવેલી પ્રસિદ્ધ અડાલજની વાવ પાસે થીમ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટની યાદીમાં સમાવવામાં આવ્યો છે. વાવનો ઐતિહાસિક વારસો જળવાઇ રહે તે માટે આ સ્થળે મ્યુઝીયમ સહિતના અનેક આકર્ષણોનું નિર્માણ કરાશે.

થીમ બેઝ ડેવલપમેન્ટમાં વન્ડર્સ ઓફ વોટર, માર્કેટ, ક્રાફ્ટ બજાર, હોટલ, રેસ્ટોરન્ટ, ગેમિંગ ઝોન, રાઇડ્સ અને મનોરંજનના સાધનોનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે અડાલજ પાસે આવેલી ટુરિઝમ કોર્પોરેશનની જમીન પૈકી 23500 ચોરસફુટ વિસ્તારમાં આ થીમ પાર્ક બનશે. પીપીપીના ધોરણે તૈયાર થનારા આ પાર્ક માટે ટુરિઝમ કોર્પોરેશન 30 વર્ષની લીઝ પર જમીન આપશે અને પ્રોજેક્ટમાં પસંદ થયેલી કંપનીએ 18 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો રહેશે.

1499ની સાલમાં અડાલજ ગામની સીમમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઇ માટે રાજા મોહમ્મદ બેગડાએ આ વાવનું નિર્માણ કરાવ્યું હતું તેથી આ વાવને અડાલજની વાવ અથવા રૂડીબાઇની વાવ કહેવામાં આવે છે. આ વાવના નિર્માણ માટે તે સમયે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દિકરા મારન હતા જેમણે પાંચ માળ ઉંડી વાવ બનાવી હતી. આ વાવ ચૂનાના પથ્થરથી નિર્મિત હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક નમૂનો છે.

અડાલજમાં વિશ્વભરના પ્રવાસીઓ આવે તે હેતુથી આ થીમ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. ઇસ્યુ થયેલા ટેન્ડરમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને 15 કરોડનો પ્રોજેક્ટ હોવાનું જણાવ્યું છે. જો કે આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સરકારે પાંચ વર્ષ પહેલાં તૈયારી કરી હતી પરંતુ કોઇને કોઇ કારણોસર ટેન્ડર ઇસ્યુ થઇ શક્યું ન હતું. આ જગ્યાએ તળાવનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x