ગાંધીનગર: પીડીપીયુમાં અભ્યાસ કરતી તાન્જાનિયાની બે વિદ્યાર્થીનિઓ ઓમિક્રોન પોઝિટિવ
ગાંધીનગરના રાયસણ સ્થિત પીડીપીયુમાં અભ્યાસ અર્થે આવેલી તાન્જાનિયાની બે વિદ્યાર્થીનિઓ અગાઉ તા.૨૩મીએ કોરોના પોઝિટિવ આવી હતી.જેથી તેમને ઓમિક્રોન શંકાસ્પદ ગણીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. તે દરમિયાન તેમના સેમ્પલ ઓમિક્રોનના પરિક્ષણ માટે આપવામાં આવ્યા હતા. જે ગઇકાલે રાત્રે પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું. સિવિલમાં આ બન્ને પોઝિટિવ યુવતિઓને ઓમિક્રોન વોર્ડમાં ખાસ દેખરેખ હેઠવ લેવામાં આવી છે.
તાન્જાનિયાથી તા. ૧૧મીએ આરટી-પીસીઆર ટેસ્ટ આ બન્ને યુવતિના કરવામાં આવ્યા હતા જે નેગેટિવ હતા ત્યાર બાદ દુબઇમાં પણ કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા એટલુ જ નહીં, તા. ૧૬મીએ અમદાવાદ એરપોર્ટ ઉપર પણ ૨૨ અને ૨૩ વર્ષની આ બન્ને પીડીપીયુની વિદ્યાર્થિનીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પણ નેગેટીવ આવ્યા હતા. જેથી ગાઇડલાઇન પ્રમાણે તેમને સાત દિવસ ક્વોરેન્ટાઇનમાં રહીને આઠમાં દિવસે ફરી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો હતો. સાત દિવસ ખાનગી હોટલમાં ક્વોરેન્ટાઇન રહ્યા બાદ આઠમાં દિવસે ખાનગી હોસ્પિટલમાંથી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા બન્નેની તબીયત સારી હોવા છતા તેમને નિયમ પ્રમાણે હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા.
બન્ને કોરોનાગ્રસ્ત યુવતિઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને ઓમિક્રોન શંકાસ્પદ ગઇને સાર-સંભાળ લેવામાં આવતી હતી. સાથે સાથે તેમની સારવાર પણ નિષ્ણાંત તબીબો દ્વારા શરૃ કરી દેવામાં આવી હતી. તે દરમિયાન તેમના સેમ્પલ ઓમિક્રોનના ટેસ્ટીંગ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જે ગઇકાલે પોઝિટિવ આવતા તંત્ર ચોંકી ઉઠયું હતું. તંત્ર દ્વારા આ બન્ને પોઝિટિવ યુવતિઓની વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે.એટલુ જ નહીં, બન્નેની તબીયત સુધારા ઉપર હોવાનું પણ તબીબી સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.