ઓમિક્રોનનાં કેસ વધતા શાળાઓમાં કોરોના ગાઇડ લાઇન પાલન સંબંધે તપાસનો ધમધમાટ
ગાંધીનગર જિલ્લાની માધ્યમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય ચાલુ કરાવવામાં આવ્યાના પખવાડિયા બાદ રાજ્ય આખામાં કોરોના અને નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કોરોના ગાઇડ લાઇનના પાલન સંબંધમાં આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે. જોકે અગાઉ કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરનો વિકટ સમય શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ જોઇ ચૂક્યા હોવાથી તમામ કક્ષાએથી ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવતું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું. ઉપરાંત કહ્યું કે જ્યારે પણ ટીમ તપાસ કરવા માટે જાય ત્યારે ગાઇડ લાઇનના પાલન સંબંધમાં સમજ આપવામાં આવે છે.
જિલ્લા શિક્ષણાધિકારી ડા. ભરત વાઢેરે કહ્યું કે સમયાંતરે જિલ્લાના ચારે તાલુકા ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામની શાળાઓ પર પહોંચીને જિલ્લા શિક્ષણ તંત્રની ટીમ દ્વારા સરકાર તરફથી ઓફલાઇન શિક્ષણ કાર્ય સંબંધમાં જે ગાઇડ લાઇન આપવામાં આવી છે, તેનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે. જોકે ધોરણ ૯થી લઇને ૧૨માં ધોરણ સુધીના બાળકો ઘણે અંશે પરિપકવતા દર્શાવતા જોવામાં આવી રહ્યાં છે. એક તરફ શાળાઓમાં બાળકોને બેસાડવા માટે અને સંખ્યા સંબંધે ગાઇડ લાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવે છે. તો બીજી તરફ બાળકો દ્વારા માસ્ક પહેરવા અને હાથ ધોવા કે સેનેટાઇઝ કરવામાં ગંભીરતા દાખવવામાં આવી રહી છે. જોકે મર્યાદિત મહેકમ હોવા છતાં જિલ્લા શિક્ષણ તંત્રની ટીમ દ્વારા વધુમાં વધુ શાળાઓમાં રૃબરૃ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ ટીમના અધિકારીઓ દ્વારા જ્યાં જરૃર જણાય ત્યાં માર્ગદર્શન પણ આપવામાં આવે છે અને ગાઇડ લાઇનનું પાલન કરવામાં બેદરકારી રાખવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે વાતને પણ શાળા સંચાલકો અને આચાર્ય, શિક્ષકોને સ્પષ્ટ જણાવવામાં આવે છે.