ભારતમાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 2172 કેસ, દિલ્હીમાં 500 કેસ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2172 નવા કેસ નોંધાયા હતા, આ સાથે કુલ દર્દીની સંખ્યા વધીને 66 લાખ 61 હજાર 486 થઈ ગઈ છે. મુંબઈમાં કોરોનાના 1680 નવા કેસ સામે આવ્યા હતા. એના એક દિવસ પહેલાં સોમવારે પણ મહારાષ્ટ્રમાં કોરોનાના 1426 નવા કેસ નોંધાયા હતા, એમાંથી 788 એકલા મુંબઈ જ નોંધાયા હતા. દેશમાં કોરોના મહામારીને કારણે મૃત્યુઆંક વધીને 4 લાખ 80 હજાર 290 થઈ ગયો છે. આ તરફ દિલ્હીમાં પણ એક જ દિવસમાં કોરોનાના 500 કેસ નોંધાયા છે.
દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 781 થયા
દેશમાં કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિયન્ટે ચિંતાજનક ગતિ પકડી છે. દેશમાં ઓમિક્રોનના દર્દીઓની કુલ સંખ્યા 781 થઈ ગઈ છે. દિલ્હીમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 238 થઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ કેસ 167 થયા છે. ઓમિક્રોન અત્યારસુધીમાં 21 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયો છે.
દિલ્હીમાં ઝડપી ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહાર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 781 કેસ નોંધાયા છે. જ્યારે 241 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન દિલ્હીમાં સૌથી વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 238 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 167 અને ગુજરાતમાં 73 કેસ નોંધાયા છે.
પુડુચેરીમાં નવા વર્ષના દિવસે મોલ, હોટલ અને હોલમાં ફુલ વેક્સિનેટેડ લોકોને જ પ્રવેશ મળશે
ઓમિક્રોનના વધતા કહેરને ધ્યાનમાં રાખતાં પુડુચેરીમાં નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે, જેમાં જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને જ 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન હોટલો, રેસ્ટોરન્ટ, મોલ, સિનેમા હોલમાં પ્રવેશની મંજૂરી હશે.
રાજ્યના આરોગ્ય સચિવ જી. શ્રીરામુલુએ જણાવ્યું હતું કે આગામી મહિનાથી બાળકોને શાળામાં જ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. જે બાળકો શાળાએ નથી જતાં તેવાં બાળકોને તેમનમાં ઘરે જઈને વેક્સિન આપવામાં આવશે. 8.24 લાખ પુખ્તવયના લોકોને પ્રથમ ડોઝ અને 5.40 લાખને બીજો ડોઝ અપાઈ ગયો છે. પુડુચેરીમાં મંગળવારે 2 લોકો ઓનિક્રોન પોઝિટિવ મળ્યા હતા, તેમાં એકની ઉંમર 28 વર્ષ અને બીજાની 81 વર્ષ છે.