મુખ્યમંત્રીની AMC અધિકારીઓ સાથે બેઠક, કાઈટ ફેસ્ટીવલ અને ફ્લાવર શો વિશે લેવાયો આ મોટો નિર્ણય
સતત વધતા કોરોના કેસની સામે અમદાવાદ શહેરમાં ફ્લાવર શો (Flower show) અને કાઈટ ફેસ્ટિવલ (Kite Festival) યોજવાનો નિર્ણય તંત્રએ લીધો છે. આ નિર્ણય લેતા જણાવવામાં આવ્યું છે કે કાર્યક્રમ દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને બંને કાર્યક્રમોનું આયોજન થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સામે મનપાના (AMC) અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જે બાદ આ નિર્ણય લેવાયો છે.
30 ધનવંતરી રથ રાજય સરકાર આપશે
કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે CM સાથેની સમીક્ષા બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે સરકારની ગાઈડલાઈનનું કડક પાલન કરવામાં આવશે. તો બીજીબાજુ રાજ્યસરકાર દ્વારા કોર્પોરેશનને વધુ 30 ધનવંતરી રથ આપવાની જાહેરાત કરાઈ છે. બીજી લહેર દરમિયાન પણ રાજ્ય સરકાર દ્વારા AMCને ધનવંતરી રથની મદદ કરાઈ હતી. ત્યારે ફરી 30 ધનવંતરી રથ આપવાની જાહેરાત કરાઈ છે.
અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ
હાલ અમદાવાદમાં જાણે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એવી સ્થિતિ છે. 30 નવેમ્બરે રાજ્યમાં એક દિવસમાં કોરોનાના 573 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે છેલ્લા આ 24 કલાકમાં બે દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. નવા કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધારે 278 કેસ સામે આવ્યાં છે. આ અગાઉના દિવસે 28 ડિસેમ્બરના રોજ 178, 29 ડિસેમ્બરના રોજ 265 કેસ અમદાવાદમાં નોંધાયા છે.