કુડાસણમાં ડામર પાથરવામાં ભ્રષ્ટાચારની બૂ, ડામર પાથર્યા બાદ ફરી રોડ ઉપર ખાડા પડયાં
ગાંધીનગર:
ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ વિસ્તાર કુડાસણમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક માર્ગની હાલત બિસ્માર જોવા મળી હતી. કુડાસણ વિસ્તારના આતંરિક માર્ગ છેલ્લા ઘણા સમયથી ઉબડખાબડ હોવાથી તેને રિપેરીંગની કામગીરી થોડા દિવસો પહેલા પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતું આ આતંરિક માર્ગની પહેલા જેમ ફરી ખાડા તેમજ માર્ગ તુટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.
ગાંધીનગરમાં કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં સ્થાનિકોને સગવડો મળી રહે તે માટે તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. પરંતું નબળી કામગીરીના કારણે લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંધીનગરમાં સમાવિષ્ટ કુડાસણ વિસ્તારમાં થોડા સમય અગાઉ સહજાનંદ સીટી થી રાધે બંગ્લોઝ જવાના આંતરિક માર્ગંનું રિપેરિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. કુડાસણ વિસ્તારમાં પાયાની જરૃરિયાતના અભાવના કારણે લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આતરિક માર્ગ પર રોજબરોજના મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. ત્યારે આતંરિક માર્ગ પર રીપેરિંગના બહાને તકલાદી મટિરિયલ અને ડામર પાથરવાની પ્રથાના કારણે હવે થોડા સમય અગાઉ સહજાનંદ સીટી થી રાધે બંગ્લોઝ જવાના આંતરિક માર્ગ પર ખાડા જોવા મળી રહ્યા છે. તેમજ રોડ તુટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. તેમજ ખાડા પુરવા રોડ પર પથ્થરો ઠાલવી દેવામાં આવે છે. જેથી આંતરિક અને મુખ્ય માર્ગ પર પસાર થતા થોડા દિવસમાંજ ત્યાં ફરી ખાડા પડી ગયા છે. જેથી પરિસ્થિતિ એવીને એવી જ રહે છે.