ડો. કલસરિયાના કોંગ્રેસમાં પ્રવેશથી ભાજપ સરકારમાં સળવળાટ : પાંચ મંત્રીઓની બનાવી સમિતિ
ભાવનગર : ભાવનગરના મેથળા બંધારા માટે ખેડૂતોના અભિયાન બાદ તેનું નેતૃત્વ લેનારા ડો.કનુભાઈ કલસરિયા કોંગ્રેસમાં પ્રવેશથી ભાજપ સરકારમાં સળવાટ શરૃ થયો છે. અત્યંત ટૂંકી નોટિસમાં ગુરૃવારે બપોરે પાંચ મંત્રીઓ, ભાવનગરના સાંસદ અને તળાજાના ધારાસભ્ય સહિત ચાર વિભાગોના સેક્રેટરીઓ વચ્ચે બે ક્લાક સુધી બેઠક મળી હતી. જેમાં મેથળા સહિત ભાવનગરના દરિયાકાંઠે બંધારા બાંધવા ઝડપથી પુર્ણ શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાનું નક્કી કરાયુ છે.
ભાજપે લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ઓબીસી વોટબેંક એંકે કરવા મોટા ઉપાડે કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાને લાવીને કેબિનેટ મંત્રીપદુ આપ્યુ છે. જેની સામે કોંગ્રેસે ઓબીસી વર્ગમાંથી આવતા ડો.કલસરિયાને પોતાની પાર્ટીમાં સમાવ્યા છે. જેઓ ભાવનગર સહિત દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં બાંધારા બાંધવાના અભિયાનો માટે જાણિતા છે. તેમની આ ખાસિયતનો લાભ લઈને કોંગ્રેસના રાહુલ ગાંધી મેથળાની મુલાકાત લેશે તેમ કહેવાય છે. આ તમામ ઘટનાક્રમ અને ચૂંટણીના પડકારને હળવા કરવા સરકારે હવે બંધારા બાંધવા માટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જામંત્રી સૌરભ પટેલ, વનમંત્રી ગણપત વસાવા, પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયા અને સિંચાઈ મંત્રી પરબત પટેલની સમિતિ બનાવી છે. જેની બેઠક ગુરુવારે મળી હતી.