અમદાવાદમાં કોરોના નો ધડાકો થતાં ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલ કરાયો રદ્દ
ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં રાજય સરકારે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. એકતરફ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ધર્માચાર્ય આશીર્વાદ સંમેલન યોજાયુ હતું. જેમાં અમદાવાદ શહેર ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે ફલાવર શોમાં પણ હજારોની ભીડ ભેગી થાય અને કોરોના સુપર સ્પ્રેડર બને તે પહેલાં ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, 5 જાન્યુઆરીએ શહેરમાં નવા 1637 અને જિલ્લામાં 23 મળીને અમદાવાદમાં કુલ 1660 કેસ નોંધાયા છે. 19 મે પછી પહેલીવાર કોરોનાના કેસોએ 1600નો આંકડો કુદાવ્યો છે. 19 મે, 2021ના રોજ શહેર અને જિલ્લામાં 1324 કેસ આવ્યા હતા. જ્યારે શહેરમાં 52 અને જિલ્લામાં 10 મળીને કુલ 62 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે શહેર અને જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. આજે ઓમિક્રોનના 34 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. 15થી 18 વય જૂથનાં 40164 બાળકોનું વેક્સિનેશન કરાયું છે.