સ્કૂલમાં રસીથી વંચિત વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઇને રસી અપાશે
ગાંધીનગર શહેર તથા જિલ્લામાં પણ કોરોના વિરોધી રસીકરણ અભિયાનનો ગઇકાલથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગરમાં કુલ ૧૫થી ૧૮ વર્ષના ૯૨ હજાર જેટલા કિશોરોને રસી આપવાની ઝુંબેશ ચાલી રહ્યું છે. હાલ સ્કૂલોમાં ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે ત્રણ દિવસ સ્કૂલોમાં ડ્રાઇવ પુર્ણ થયા બાદ રસીથી વંચિત રહી ગયેલા ઘરે ઘરે જઇને પણ બાળકોને રસી આપવામાં આવશે.
ગાંધીનગર જિલ્લામાં કુલ ૭૨ હજાર બાળકોને તારીખ ૩,૪,૬ જાન્યુઆરી એમ ૩ દિવસ વેક્સિનેશન માં આવરી લેવા જિલ્લા દ્વારા અલગ-અલગ શાળાઓ માટે માઈક્રો પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે તેમજ તારીખ ૭મી જાન્યુઆરીના રોજ જે બાળકો રસીકરણથી વંચિત રહ્યા છે તેમના માટે મેગા વેક્સિનેશન ડ્રાઇવનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે માટે પ્લાનીંગ પણ કરી દેવામાં આવ્યું છે. તો જે બાળકો શાળાએ જતા નથી તેવા બાળકો માટે ૮ અને ૯ જાન્યુઆરીના રોજ સાંજે રસીકરણ સેશનનું પણ આયોજન કરવામાંઆવ્યું છે.આવી જ રીતે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં હાલ વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે. કોર્પોરેશનનમાં ૧૫થી ૧૭ વર્ષના કુલ ૨૦ હજાર જેટલા બાળકોને આ અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવ્યા આવશે. જે અંતર્ગત શહેરી વિસ્તારમાં પણ સ્કૂલે નહીં જતા બાળકોનો સર્વે અગાઉ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં સાંજના સમયે ઝુંપડપટ્ટી વિસ્તારમાં ફરીને કોર્પોરેશનની ટીમ દ્વારા રસીકરણ અભિયાનને વેગવંતું બનાવવામાં આવશે.તો આ ઝુંબેશમાં વંચિત રહી ગયેલા બાળકોને પણ ઘરે ઘરે જઇને પણ રસી આપવામાં આવશે.