WHOની સમગ્ર વિશ્વને ચેતવણી: હવે ઓમિક્રોનને ‘સામાન્ય’ કહેવો ભૂલ ભરેલું
દુનિયાભરમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ તાબડતોડ વધી રહ્યા છે. જો કે ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા સ્ટ્રેનની સરખામણીમાં ઓછો ગંભીર કહેવાય છે. ડેલ્ટા વેરિઅન્ટ દુનિયાભરમાં લાખો લોકોના મોતનું કારણ બન્યું હતું. હવે વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) એ કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટને લઇ ચેતવણી આપી છે. WHO એ ગુરૂવારના રોજ કહ્યું કે ઓમિક્રોન દુનિયાભરમાં લોકોનો જીવ લઇ રહ્યો છે અને તેને સામાન્ય સમજીને નજરઅંદાજ કરવો જોઇએ નહીં.
WHO ચીફ ટેડ્રોસ અદહાનોમ ગેબ્રેયેસસે કહ્યું કે રેકોર્ડ સંખ્યામાં લોકો નવા વેરિઅન્ટનો શિકાર બની રહ્યા છે. કેટલાંય દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે તેનો મતલબ એ નથી કે હોસ્પિટલ ઝડપથી ભરાઇ રહી છે.
ટેડ્રોસે એક પત્રકાર સંમેલનમાં કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટાની તુલનામાં ચોક્કસ ઓછો ગંભીર રહ્યો છે ખાસ કરીને રસી લઇ ચૂકેલા લોકો માટે. જો કે તેનો અર્થ એ નથી કે તેને સામાન્ય વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કરવો જોઇએ.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પહેલાંના વેરિઅન્ટસની જેમ જ ઓમિક્રોન લોકોને હોસ્પિટલ પહોંચાડી રહ્યો છે અને લોકોના જીવ લઇ રહ્યો છે. તેમણે કહ્યું કે વાસ્તવમાં કેસની સુનામી એટલી મોટી અને ઝડપી છે કે આ દુનિયાભરની સ્વાસ્થય વ્યવસ્થાઓ પર ભારે પડી રહી છે.
WHO દ્વારા રજૂ કરવામાં આવેલા કોવિડ-19ના આંકડા પ્રમાણે વૈશ્વિક સ્તર પર 27 ડિસેમ્બરથી બે જાન્યુઆરીના સપ્તાહ દરમ્યાન તેનાથી પાછલા સપ્તાહની તુલનામાં સંક્રમણના નવા કેસમાં 71%નો ઉછાળો નોંધાયો છે.
WHOના વડાએ ચેતવણી આપી છે કે ઓમિક્રોનથી સર્જાયેલી કોવિડ ‘સુનામી’એ વિશ્વભરની આરોગ્ય સંભાળ પ્રણાલી પર બોજ વધારી દીધો છે. તેમણે કહ્યું કે 27 ડિસેમ્બર, 2021 થી 2 જાન્યુઆરી, 2022 સુધીના છેલ્લા અઠવાડિયા દરમિયાન વિશ્વભરમાં કોવિડના લગભગ 95 લાખ કેસ નોંધાયા છે. ગત સપ્તાહની સરખામણીએ વૈશ્વિક કોવિડ કેસોમાં આ 71 ટકાનો વધારો છે.