રાજ્યમાં આગામી દિવસોમાં પડશે કાતિલ ઠંડી, જાણો શું છે આગાહી
રાજ્યમાં હવામાન વિભાગે આગામી દિવસમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડીમાં વધારો થશે. જો કે આજે પણ તાપમાનમાં ઘણો ઘટાડો અનુભવાયો હતો. જેમા ખાસ કરીને રાજકોટ અને નલિયામાં ઠંડીનો પારો ગગડ્યો હતો. રાજ્યમાં સૌથી ઠંડુ નલિયા રહ્યુ છે, જ્યા તાપમાન 8.8 ડિગ્રી નોંધાયુ છે. ઉપરાંત રાજકોટમાં 13.4 ડિગ્રી, અમદાવાદમાં 18 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી અને સુરતમાં 20.4 ડિગ્રી નોંધાયુ છે. વળી બીજી તરફ રાજ્યમાં માવઠાની અસરથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થઇ ગયો છે. જો ગુરુવારની વાત કરીએ તો આ દિવસ દરમિયાન રાજ્યનાં 60થી વધુ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતનાં તાલુકાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે રાજ્યમાં હજુ 24 કલાક માવઠું પડી શકે છે.
રાજ્યમાં લોકો ત્રણ સીઝનનો અનુભવ કરી રહ્યા છે. ક્યારેક સખત ઠંડી પડે છે તો ક્યારેક દિવસ દરમિયાન ગરમી, આ વચ્ચે વરસાદ પણ પોતાની હાજરી આપી જાય છે. જી હા, આ સમયે લોકોને પણ નતી સમજાઇ રહ્યુ કે સ્વેટર પહેરે કે રેઇનકોટ કે પછી ગરમીમાં પહેરાતા કપડા. જો કે આ વચ્ચે હવામાન વિભાગે વધુ એક આગાહી આપી છે.
ત્યારબાદ પવનની દિશા બદલાશે અને 9 જાન્યુઆરીથી વાતાવરણ સૂકુ થશે અને પછી કાતિલ ઠંડી પડશે. 9 જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ગગડવાની આગાહી છે. જેના કારણે કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. જો કે, આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં શીત લહેરની સ્થિતિ રહેશે નહીં. વરસાદને જોતા રાજસ્થાનનાં ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ગુજરાત, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં 9 જાન્યુઆરી સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. આ સિવાય મધ્યપ્રદેશમાં 11 જાન્યુઆરી સુધી અને વિદર્ભ અને છત્તીસગઢમાં 9 થી 11 જાન્યુઆરી દરમિયાન હળવા વરસાદની શક્યતા છે.