ગાંધીનગર

ગાંધીનગર : બોરીજ રેન્જના વન અધિકારી ઉંઘતા ઝડપાયા? LCB એ રૂ.5.34 લાખનાં ચંદન સાથે 5 ને ઝડપ્યા

ગાંધીનગર :

ગાંધીનગરનાં મહુડી-ફતેહપુરા રોડ પરથી ઈકો કારમાં સુખડ ચંદનના લાકડાનો જથ્થો ભરીને ડીલીવરી આપવા માટે નીકળેલા તસ્કરોને ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા ઝડપવામાં આવ્યા અને રૂ. 534000ની કિંમતનું ચંદનનાં લાકડા જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે રાત્રિ કરફ્યુની અમલવારી માટે પોલીસને મોરચો સંભાળી લેવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કડક સૂચનાઓ આપી દીધી હતી. ત્યારે એલસીબી પીઆઈ એચ. પી. ઝાલાની ટીમ સોમવારે મધ્યરાત્રિ પેથાપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે મહુડીથી ફતેહપૂરા થઈ ગાંધીનગર તરફ ઈકો ગાડીમાં પ્રતિબંધિત સુખડ-ચંદનનાં લાકડાની હેરફેર થવાની છે. જેનાં પગલે એસીબીના કાફલાએ ફતેહપૂરા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબની ઈકો કાર દૂરથી દેખાતા તેને ઈશારો કરીને રોકી દેવાઈ હતી. જેમાં ડ્રાઈવર સહિત પાંચ ઈસમો બેઠા હતા. બાદમાં એલસીબીની ટીમે તે ઈકો કારની તલાશી લેતાં અંદરથી કંતાનનાં કોથળામાં ભરેલા સુખડ-ચંદનનાં લાકડાંના ટુકડા મળી આવ્યા હતા. જેનાં પગલે બોરિજ રેન્જના વન અધિકારીને બોલાવી ચંદનના લાકડાની ખરાઈ કરી કિંમત આંકવામાં આવતાં એક કિલો ચંદનના લાકડાની કિંમત રૂ. 3000 પ્રમાણે કુલ 178 કિ.ગ્રા. જથ્થાની કિંમત રૂ. 534000 ગણવામાં આવી હતી.

જે અંગે પાંચેય ઈસમોની પૂછતાછ કરાતાં તેમણે પોતાના નામ મહંમદ હનીફ મુનિરમીયાં અલ્લાહમિયાં મલેક, અશોક પૂનમભાઈ તળપદા, સુરેશ ગોરધનભાઈ તળપદા, જયંતિ કાંતિભાઈ તળપદા અને અરવિંદ મગનભાઈ તળપદા હોવાનું જણાવ્યું હતું. તેમજ ઉક્ત ચંદન સતલાસણા તાલુકાના એક ગામમાંથી કાપી લાવ્યાની તેમણે કબૂલાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જથ્થો લખાપૂરના જયંતિ ઈશ્વરભાઈ તળપદાને આપવા જતા હતા. તેમજ ચંદનની હેરફેર દરમિયાન પકડાઈ ન જવાય તે માટે ઈકો કાર ભાડે રાખી હોવાની પણ કેફિયત વર્ણવી હતી. જે અન્વયે એલસીબીએ રૂ. 534000ની કિંમતનું સુખડ ચંદન, ઈકો કાર મળી રૂ. 934000નો મુદ્દામાલ કબ્જે લઈ પાંચેયની ધરપકડ કરી પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x