અમદાવાદ : “ઓગમેન્ટેશન ઓફ સ્કૂલ” અંતર્ગત ગરીબ-મધ્યમ વર્ગના 5000 વિદ્યાર્થીઓને સ્માર્ટફોન અપાશે
મ્યુનિ. સ્કૂલ બોર્ડના ગરીબ અને મધ્યમ વર્ગના 5000 વિદ્યાર્થીઓને આશરે રૂ. 5 કરોડના ખર્ચે સ્માર્ટ ફોન આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અમદાવાદ શહેરના મેયર કિરીટકુમાર પરમાર અખબાર યાદીમાં જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીના આદ્ય સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો એક જીવન મંત્ર હતો કે, ભારત દેશના છેવાડાના માનવીનો પણ સર્વ પ્રકારે વિકાસ થવો જોઇએ.
તેમના આ જીવન મંત્રને ધ્યાનમાં લેતા ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના છેવાડાના માનવીને પણ ઉચ્ચ ગુણવત્તાયુકત અને તમામ સુવિધા સંપન્ન સાથેનું પ્રાથમિક શિક્ષણ મળે તે માટે ચિંતા કરેલ છે. અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું આ સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રાથમિક શિક્ષણ મેળવતા આવા બાળકોને જીવન ઉપયોગી વ્યવસાયલક્ષી અને સ્માર્ટ એજયુકેશન મળે તે માટેના પ્રયત્નો હાથ ધરેલ છે. આ પ્રયત્નોના ભાગરૂપે આ વૈશ્વિક મહામારીમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા જે વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા નથી તેવા તમામ બાળકોને ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરેલ છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની ધો.6 થી 8 માં ઉચ્ચ પ્રાથમિક શાળાઓની અંદર 58,094 બાળકો અભ્યાસ કરે છે. તે પૈકી સર્વે આધારીત પ્રાયોગિક ધોરણે ખરેખર જરૂરિયાત હોય તેવા બાળકો ઓનલાઇન ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે 5000 સ્માર્ટ ફોન માટે આશરે રૂ.5 કરોડની ફાળવણીની આપવાની જાહેરાત કરૂ છું.
આ માટે ખર્ચ મ્યુનિ.સ્કૂલ બોર્ડના “ઓગમેન્ટેશન ઓફ સ્કૂલ” અંતર્ગત 9 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે તેમાંથી કરવામાં આવશે.