સાંસદે યોજી સમીક્ષા બેઠક, સરકારી યોજનાઓ સમયસર લોકોને મળે તે માટે અધિકારીઓને સૂચના આપી
આણંદ (Anand)માં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની વીડિયો કોન્ફરન્સીંગ (Video conferencing)ના માધ્યમથી બેઠક યોજાઇ. જેમાં સાંસદ મિતેષ પટેલે (MP Mitesh Patel) સરકારના તમામ યોજનાકીય લાભો જરૂરિયાતમંદોને સમયસર મળે, તેમજ આ માટે સરકારના નિર્ધારીત લક્ષ્યાંકો સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થાય તે માટે અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આણંદ કલેકટર કચેરીમાં સાંસદ મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરસીંગના માધ્યમથી જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠક મળી હતી. મિતેષ પટેલે કેન્દ્ર અને રાજય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તેની કામગીરી કરવા, તેમજ જે કોઇ કામો બાકી રહ્યા હોય તે કામો ઝડપથી પૂર્ણ કરી યોજનાકીય લાભો જરુરિયાતમંદોને મળતાં થાય તે જોવા પણ સુચવ્યું હતું.
બેઠકમાં સાંસદ મિતેષ પટેલે કેન્દ્ર-રાજય સરકારની વિવિધ 42 પ્રકારની યોજનાઓની ડિસેમ્બર 2021 સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનેરગા, મિશન મંગલમ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કૃષિ યોજના, નેશનલ હેલ્થ મિશન, બેટી બચાવો – બેટી પઢાઓ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, સાંસદ આદર્શ ગ્રામ જેવી યોજનાઓની કામગીરી કયા તબક્કામાં છે તેમજ ટેન્ડરીંગની પ્રક્રિયા પણ સમયસર પૂરી થાય તે જોવા પર ભાર મૂકયો હતો.
સાંસદ મિતેષ પટેલે કોરોનાની પરિસ્થિતિને પગલે નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ તબીબી સેવાઓ સમયસર મળે તેનું ધ્યાન રાખવા જણાવ્યુ હતું. સાથે જ જે વયોવૃદ્ધ નાગરિકો રસી લેવા આવી શકતા ન હોય તેમનું ઘરે જઇને રસીકરણ કરાવવા જણાવ્યુ હતુ.
સાંસદ મિતેષ પટેલે વીજ કનેકશન, મમતા કાર્ડની કામગીરીની વિગતવાર છણાવટ કરી હતી. જયારે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામેલ ગામોમાં તમામ પ્રકારના લાભો પહોંચતા થાય તે જોવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
તો બેઠકમાં ઉપસ્થિતિ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ સાંસદના સૂચનોને ધ્યાનમાં રાખી યોગ્ય કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી.