ACBની ટ્રેપથી લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ: ગાંધીનગર ભૂસ્તર-ખનીજ કચેરીનો જુ. ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો
ગાંધીનગર :
ગાંધીનગરના જુના સચિવાલયમાં બ્લોક નં -15માં આવેલ ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીએ જ લાંચનું છટકુ ગોઠવી એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ફ્લાઇંગ સ્કવોડનાં જુનિયર કલાર્ક હિતેશ જીવાભાઈ ચૌધરીને 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયો છે. ત્યારે ભ્રષ્ટાચારનાં આક્ષેપોથી ખદબદતી ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કચેરીમાં એસીબીનાં સકંજામાં જુનિયર ક્લાર્ક આબાદ રીતે ફસાતા સ્ટાફમાં સોંપો પડી જવા પામ્યો હતો.
ગાંધીનગર ભૂસ્તર તંત્રની રહેમ નજર હેઠળ રેત માફિયાઓ બેફામ બન્યા હોવાના ઘણાં અહેવાલો છાશવારે પ્રસિદ્ધ થતાં રહેતા હોય છે. ભૂ-માફિયા તંત્રની રહેમનજર હેઠળ રાત દિવસ નદીનાં પટમાંથી રેત ખનન કરીને સરકારની તિજોરીને કરોડોનું રૂપિયાનું આર્થિક નુકસાન પહોચાડી રહ્યાનાં પણ આક્ષેપો વારંવાર થતા રહે છે. ત્યારે ભૂસ્તર તંત્રની કચેરી જ ભ્રષ્ટાચારનું મૂળ હોય તેની સાબિતી એન્ટી કરપ્શન બ્યુરોનાં છટકામાં આજે બહાર આવી ગઈ છે.
છોટાઉદેપુર ખાતે એક વેપારી ભુલવણ ગામમાં રેતીના સ્ટોકનો ધંધો કરે છે. આથી નિયમ મુજબ આશરે સાત મહિના પહેલા ખાણ ખનીજ વિભાગનો ફ્લાઇંગ સ્ક્વોડ રેતીના સ્ટોકની માપણી કરવા ગયો હતો અને રેતીના સ્ટોકની માપણી કરી પરત આવી ગયો હતો. બાદ ફ્લાઇંગ સ્ક્વોડે ઓનલાઇન રેતીના સ્ટોકની તપાસણી કરતાં રેતીના સ્ટોકમાં તફાવત જણાઈ આવ્યો હતો. જે બાબતની રેતના વેપારીને નોટીસ પણ આ કચેરી દ્વારા પાઠવવામાં આવી હતી. જો કે આ નોટિસમાં ભુલ હોવાથી તેમાં સુધારો કરવા તથા ચલણ આપવા માટે ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ, બ્લોક નં-15, જુના સચિવાલય, ગાંધીનગર કચેરીએ ફ્લાઈંગ સ્કવોર્ડમાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા હિતેશ જીવાભાઇ ચૌધરી એ 15 હજારની લાંચ માંગી હતી. જે તે સમયે નોટિસમાં સુધારા પેટે 5 હજાર વેપારીએ ચૂકવી પણ દીધા હતા. પરંતુ બાકીના 10 હજારની રકમ તેઓ આપવા માંગતા ન હોવાથી રેતનાં વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરો કચેરીમાં લાંચિયા જુનિયર કલાર્ક હિતેશ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જેનાં પગલે ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ.કે.પરમારનાં સુપરવિઝન હેઠળ પીઆઈ એસ. ડી. ચૌધરીએ જુના સચિવાલય ભૂસ્તર કચેરીના ફ્લાઈંગ સ્કવોર્ડ કચેરીએ જ લાંચનું છટકું ગોઠવ્યું હતું. ત્યારે છંટકાથી અજાણ લાંચિયા જુનિયર કલાર્ક હિતેશ ચૌધરીએ હેતુલક્ષી વાતચીત નાં અંતે 10 હજારની લાંચ સ્વીકારી હતી. અને તેજ સમયે જરૂરી પંચની સાથે એસીબીની ટીમે જુનિયર કલાર્ક હિતેશ ચૌધરીને લાંચની રકમ સાથે આબાદ રીતે ઝડપી લીધો હતો. આજે સવારે એસીબીની સફળ રેડ પડતાં જ ભૂસ્તર કચેરીમાં સોંપો પડી જવા પામ્યો હતો.