ગુજરાતમાં કોરોનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ, સરકાર લઇ શકે છે મહત્વનાં નિર્ણયો
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રોજ નોંધાતા કેસોની સંખ્યા વધીને 20 હાજરથી ઉપર સુધી પહોંચી ગઈ છે. સરકારી અધિકારી-કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે તે જોતાં રાજ્ય સરકાર કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ અમલમાં લાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ વખતે કોરોના રોકેટગતિએ વધી રહ્યો છે. ગુજરાતમાં બુધવારે પહેલી વાર એક દિવસમાં 20 હજારથી વધુ કેસો નોંધાયા છે. વધતાં કેસોને પગલે રોજેરોજ કોર કમિટીની બેઠક મળી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સૂત્રોના મતે, ગુજરાતમાં હજુય કોરોનાનાં કેસો વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જોતાં આગામી દિવસોમાં સરકારી કચેરીઓમાં 50-50 ટકા રોટેશન સાથે વર્ક ફ્રોમ હોમના નિયમો લાગુ કરાશે. ઉલ્લેખનીય છેકે, દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ લાગુ કરાયું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ અમલમાં આવે તેમ છે.
કોરોના ગુજરાતમાં પંજો પ્રસરાવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર વધુ કડક નિયંત્રણ લાદવાના મતમાં છે. 22મીએ રાત્રિ કરફ્યુની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર થઇ શકે છે.
ટૂંકમાં રાત્રિ કરફ્યુ 9થી સવારનાં 6 વાગ્યા સુધી થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. કોરોનાને લીધે ધંધા રોજગાર પર અસર ન પડે તે માટે પણ સરકાર ચિંતાતુર છે પરિણામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનુ પાલન થાય તે માટે પોલીસ પણ સક્રિય થઇ છે.