અમદાવાદ સહિત અનેક સ્થળો પર જોવા મળી ધુમ્મસની ચાદર, ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ
એક તરફ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ (Rain) પડવાની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ સહિત વિવિધ સ્થળો પર ધુમ્મસભર્યુ (Fog) વાતાવરણ જોવા મળ્યુ. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.
રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ શહેર, ધોળકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ, વહેલી સવારથી સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકો વાહનોની લાઈટ સવારે પણ ચાલુ રાખવી પડી હતી.
કમોસમી વરસાદની આગાહી અને ધુમ્મસના કારણે રાજ્યના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોને ચણા, જીરું અને વરિયાળીના પાકને નુકસાનની ભીતિ છે. ખેડૂતો પર એક પછી એક કુદરતનો માર સહન કરવાનો વારો આવી રહ્યો છે.
મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે તેમજ 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક સ્થળોએ ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.