ઈન્ડિયાના પૂર્વ બોલર હરભજન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત
ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર હરભજન સિંહ (Harbhajan Singh) કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી લોકોને આપી છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ હરભજને પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેને કોરોનાના હળવા લક્ષણો છે. હરભજને લોકોને અપીલ કરી છે કે, તેઓ સુરક્ષિત રહે અને પોતાનું ધ્યાન રાખે. હરભજન સિંહે ટ્વિટર પર લખ્યું, ‘મને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવા લક્ષણો છે. મેં મારી જાતને ઘરે ક્વોરેન્ટાઇન કરી છે અને જરૂરી તમામ સાવચેતી રાખી રહ્યો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને હું શક્ય તેટલી વહેલી તકે પરીક્ષણ કરાવવા વિનંતી કરીશ. કૃપા કરીને સુરક્ષિત રહો અને તમારી સંભાળ રાખો.’
હરભજન સિંહે થોડા સમય પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવાનો હતો. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડીઓની બનેલી ટીમનું નામ ઈન્ડિયા મહારાજા છે, જેણે ગુરુવારે એશિયા લાયન્સ સામે શાનદાર જીત મેળવી હતી.
તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખ 47 હજાર નવા કેસ નોંધાયા છે, જ્યારે 703 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 9,692 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે 17.94% છે.