સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે પિનાકીન રાવલની વરણી, વિવિધ સેલના કન્વિનર-હોદ્રેદારોની પણ નિયુક્તિ
ગાંધીનગર :
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તરફથી બ્રાહ્મણ યુવક અને યુવતિઓ માટે મેટ્રીમોનિયલ તેમજ નોકરી અને રોજગાર માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની એપ્લિકેશન બનાવવાની આજે જાહેરાત કરવામાં આવી છે. એ ઉપરાંત સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય સેવાકીય કાર્યો માટેના વિવિધ સેલની રચના કરવામાં આવી છે.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના નવનિયુક્ત પ્રમુખ પિનાકીન રાવલે જણાવ્યું હતું કે રાજ્યમાં વિવિધ સમાજની જેમ 12 ટકા વસતી ધરાવતો બ્રહ્મ સમાજ ટૂંકસમયમાં યુવા શક્તિ સાથે એક મોટા બિન રાજકીય સંગઠન તરીકે બહાર આવશે. આજે ગાંધીનગર સ્થિત બ્રહ્મભવનમાં યોજાયેલા એક સાદા સમારંભમાં સમાજની સામાન્ય સભાએ રાજ્યના પ્રમુખની સર્વાનુમતે વરણી ઉપરાંત વિવિધ સેલ જેવાં કે યુવા, મહિલા, આઇટી, જનસંપર્ક, પ્લાનિંગ, મેટ્રીમોનિયલ, એમ્પ્લોયમેન્ટ, કલ્ચરલ, કર્મકાંડી બ્રાહ્મણ, સમુહલગ્ન અને સમૂહ યજ્ઞોપવિત માટેના હોદ્દેદારો તેમજ કન્વિનરોની નિયુક્તિ કરી છે.
આ પ્રસંગે સમાજના નવા પ્રમુખે જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ માટે અત્યાર સુધી જે થયું નથી તે સમાજના આગેવાનોએ ભેગા મળીને કરવાનું છે. આ સમાજ પ્રસંગોચિત મિલન કાર્યક્રમો, યુવા તેમજ મહિલા સંમેલનો, સમૂહલગ્ન તેમજ સમૂહ યજ્ઞોપવિતના કાર્યક્રમો યોજશે. એ ઉપરાંત યુવાન અને યુવતિઓ માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ તેમજ મેટ્રીમોનિયલ એપ્લિકેશનથી લાખો લોકોને જોડવામાં આવશે. સમાજની અલાયદી અને આધુનિક વેબસાઇટનું પણ ટૂંકસમયમાં લોન્ચિંગ કરવામાં આવશે.
સમાજના ભાવિ કાર્યક્રમોમાં બિઝનેસ સંમેલન, જોબફેર, સ્વરોજગાર સંમેલન, સમાજને ઉપયોગી થાય તેવી ક્રેડિટ સોસાયટી, સિનિયર સિટીઝન માટેની યોજનાઓ, આરોગ્યના કાર્યક્રમો, જ્યોતિષ માર્ગદર્શન, વિવિધ રમતોત્સવ સહિતના અનેક આયોજનનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ થાય તે માટે સોશ્યલ સાઇટ્સ સાથે જોડાવા ઉપરાંત સમાજની યુટ્યુબ ચેલન શરૂ કરવામાં આવશે.