દ્વારકાધીશ મંદિરના દ્વાર 24 જાન્યુઆરી એટલે કે આજથી ફરી ખોલવામાં આવ્યા
ગુજરાત (Gujarat)માં કોરોના (Corona) સંક્રમણ વધવાને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)માં આવેલુ દ્વારકાધીશનું જગત મંદિર કોરોનાના વધતા કેસ વચ્ચે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જો કે હવે દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે 24 જાન્યુઆરી સોમવારથી ફરી ખોલવામાં આવ્યા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર કોરોના ગાઈડલાઇનના પાલન સાથે મંદિર પરિસર ખોલવામાં આવ્યુ છે.
દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલતા જ સવારથી જ હજારો ભક્તોએ મંગળા આરતીમાં ભાગ લીધો. ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો સાથે દર્શન કર્યા. ભક્તો કોવિડ ગાઈડલાઈન મુજબ દ્વારકામાં દર્શન કરી રહ્યા છે. દ્વારકા મંદિર અગાઉ કોરોનાના વધતા કેસના કારણે બંધ કરાયુ હતુ. જો કે ફરીથી મંદિર ખોલવા અંગેની જાહેરાત દ્વારકાધીશ વહીવટદાર સમિતિ અને જિલ્લા કલેકટરે કરી છે.
કોરોનાના વધતા કેસ વચ્ચે દ્વારકાધીશનું જગત મંદિર પણ બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો હતો. પરંતુ આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવ્યો હોવાનો યાત્રાળુ અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વેપારીઓ અને સ્થાનિકોએ તંત્રને આવેદનપત્ર આપીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો.
વેપારીઓનું કહેવુ છે કે સાત દિવસ સુધી મંદિર બંધ રહેવાના નિર્ણયને પગલે દૂરદૂરથી આવતા યાત્રાળુઓને પણ ધકકો પડી રહ્યો છે. સાથે જ વેપારીઓએ માગ મુકી હતી કે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે મંદિર ખોલવામાં આવે. જેથી વેપારીઓના વેપાર ધંધા શરૂ રહી શકે અને આર્થિક સંકળામણનો સામનો કરવો ન પડે.
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર ,અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.