PM મોદી 11 વાગ્યે બજેટ પર બીજેપી કાર્યકર્તાઓને કરશે સંબોધિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ‘બજેટ અને આત્મનિર્ભર ભારત’ વિષય પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં 2022-23નું બજેટ રજૂ કર્યા પછી વડા પ્રધાને તેમના સંબોધનમાં આ માહિતી આપી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો વડાપ્રધાનનું સંબોધન સાંભળવા રાજધાનીના આંબેડકર ભવન ખાતે એકઠા થશે.
ભાજપના મીડિયા વિભાગના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ અનિલ બલુનીએ કહ્યું કે પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્ય એકમોના પ્રમુખો, પદાધિકારીઓ અને નેતાઓ પોતપોતાના રાજ્યના મુખ્યાલયમાં વડાપ્રધાનનું સંબોધન સાંભળશે.
વડાપ્રધાને કહ્યું કે આ બજેટનું એક મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે અને તેને ધ્યાનમાં રાખીને દરેક ગરીબને પાકું ઘર, નળના પાણીની સુવિધા, શૌચાલય, ગેસની સુવિધા મળે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “આ બજેટ વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિશાળ રોકાણ, વિશાળ વૃદ્ધિ અને વિશાળ રોજગારની નવી સંભાવનાઓથી ભરેલું છે. બીજું નવું ક્ષેત્ર ખુલ્લું છે અને તે છે ગ્રીન જોબ્સ. આ બજેટ સમયની જરૂરિયાતોને પણ સંબોધે છે અને દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની પણ ખાતરી આપે છે.