શંકરસિંહનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા. શંકરસિંહ બાપુ નાખુશ.. કેમ ? જાણો..
Gandhinagar
ગુજરાતનાં દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે BJP માં જોડાઈ ગયા. એક સપ્તાહ પહેલા મહેન્દ્રસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે દિલ્હીમાં એક મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં મહેન્દ્રસિંહે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. જો કે બાપુની નજીકના સુત્રોની માહિતી પ્રમાણે અમિત શાહ સાથેની બેઠક મહેન્દ્રસિંહે બાપુની જાણ બહાર અને તેમની ઈચ્છા વિરૂધ્ધ કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં પણ અમિત શાહે શંકરસિંહને પુત્ર મહેન્દ્રસિંહને ભાજપમાં મોકલી આપવાની અને વિધાનસભાની ટિકિટ આપવાની પણ ખાતરી આપી હતી, પણ બાપુ તેના માટે તૈયાર ન્હોતા. 2012માં ખુદ નરેન્દ્ર મોદીએ નરહરિ અમીનને ધ્યાન રાખીશ તેવુ વચન આપ્યુ હતું, પણ 2017ની ચૂંટણીમાં નરહરિના અનેક પ્રયત્ન છતાં અમિત શાહે નરહરિને ટિકિટ મળવા દીધી નહીં. બાપુનો મત હતો આવી જ સ્થિતિ મહેન્દ્રસિંહની પણ થશે, પણ મહેન્દ્રસિંહના નજીકના સુત્રોની માહિતી પ્રમાણે સાબરકાંઠામાં ભાજપની સ્થિતિ સારી કહેવાય તેવી નથી. તેથી ભાજપ મહેન્દ્રસિંહને સાબકાંઠા લોકસભાની ટિકિટ આપવા માગે છે તેના કારણે મહેન્દ્રસિંહ તૈયાર થયા હતા. મહેન્દ્રસિંહના મતે હવે તે કોંગ્રેસ કે કોઇ રાજકિય પક્ષમાં નથી. જો આવી સ્થિતિ લાંબી રહે તો રાજકિય જીવન સમાપ્ત થઈ જાય. ભાજપમાં ગયા પછી ભાજપ પોતાનું વચન પાળે નહીં તો પણ સત્તાધારી પક્ષમાં રહેવુ ખોટનો ધંધો નથી. હજી સુધી બાપુ આ મુદ્દે જાહેરમાં કંઈ બોલ્યા નથી, પણ બહુ જલદી તે પોતાનો મત સ્પષ્ટ કરશે તેવુ લાગી રહ્યુ છે.