RTO કચેરીની બહાર જ ટ્રાફિકના નિયમનું પાલન નહીં, વાહનોનાં ખડકલાથી સ્થાનિકો પરેશાન
ગાંધીનગરઃ
ગાંધીનગરના સેક્ટર-૩ ન્યુ ખાતે આરટીઓની ઓફિસ જ્યારથી શરૂ કરવામાં આવી ત્યારથી જ યોગ્ય પાર્કિંગના અભાવે તે સમસ્યાનું કેન્દ્ર બની છે. દરરોજ સેંકડો વાહનો રજીસ્ટ્રેશન-ફિટનેશ સંબંધિત કામગીરી માટે આરટીઓમાં આવે છે તે માટે કચેરી સંકુલમાં પુરતું પાર્કિંગ નહીં હોવાને કારણે ગ-રોડ ઉપર પાર્ક કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં દબાણોનો પણ રાફડો ફાટયો છે.જેના કારણે આ ફોરલેન રોડનો બન્ને બાજુ એક-એક લેન લગભગ બ્લોક જ થઇ જાય છે.
ટ્રાફિક અને વાહનને લગતા વિવિધ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી આરટીઓ તંત્રના શીરે હોય છે પણ ગાંધીનગરના આરટીઓની વાત કરીએ તો, પાટનગરના સેક્ટર-૩એન્યુ ખાતે જ્યાં આરટીઓની કચેરી છે ત્યાં પુરતું પાર્કિંગ નહીં હોવાને કારણે શરૃઆતથી જ અહીં પાર્કિંગની સમસ્યા ઉભી છે. સ્થાનિકો અને આરીટઓ તંત્ર દ્વારા વારંવાર રજુઆતો કરવા છતા પણ અહીં વાહન પાર્કિંગની પુરતી વ્યવસ્થા હજુ સુધી થઇ નથી જેના કારણે હાલની સ્થિતિએ તો ગાંધીનગરના આ ફોરલેન ગ-રોડના બન્ને બાજુના એક-એક લેન વાહનોથી જ ઠંકાયેલો રહે છે. એક બાજુ આરટીઓ કચેરીમાં પુરતું પાર્કિંગ નથી અને નવા-જુના વાહનોના રજીસ્ટ્રેશન-ફિટનેસ સહિત અન્ય જરૃરી કામગીરી માટે અહીં ટ્રકથી લઇને ટુ વ્હિલર સુધીના નાના-મોટા સેંકડો વાહનો આવતા હોય છે પાક્રિંગ પ્લેસના અભાવે વાહનમાલિકો તેમના વાહનો ગ-રોડ ઉપર જ પાર્ક કરે છે.
જેના કારણે ગ-રોડની બન્ને બાજુનો એક એક ભાગ ઠંકાઇ જાય છે. આ ઉપરાંત અહી વર્ષો જુના દબાણો પણ છે જેના કારણે પણ ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. સેંકડો વાહનો તથા દબાણના ખડકલાથી રસ્તો બ્લોક થઇ જાય તેવી સ્થિતિ ઉભી થાય છે ત્યારે આરટીઓ તંત્ર દ્વારા પણ કચેરીની આસપાસની પાર્કિંગ માટે વધારાની જગ્યા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે પરંતુ ઉચ્ચકક્ષાએથી તે નિર્ણય લેવાતો નથી અને આ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિકો તથા વાહનચાલકો-અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.