મિલક્ત વેરો, ટેક્સ ભરવા છતાં સેક્ટર-6ના વસાહતીઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત : વસાહત મહાસંઘ
ગાંધીનગર :
પાટનગરના સેક્ટર-6માં સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. પરંતુ તેની સામે વસાહતીઓ દ્વારા મિલક્ત વેરો સહિતના ટેક્ષ ચુકવવામાં આવી રહ્યો હોવાની ફરીયાદ સેક્ટર-6 વસાહત મંડળની જનરલ બેઠકમાં ઉઠી હતી. પ્રાથમિક સુવિધાઓના મામલે સર્વાનુમતે સબંધિત વિભાગમાં રજુઆત કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો છે.
રાજ્યના પાટનગરના સેક્ટર-6માં આડેધડ દબાણો વધી રહ્યા છે. ઉપરાંત પુરતા ફોર્સથી પાણી આપવામાં નહી આવતા સેક્ટરવાસીઓને પાણીની બુમ સદાય ઉઠી રહી છે. ઉપરાંત સેક્ટરમાં સાફ-સફાઇનો અભાવને લીધે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. સેક્ટરમાં આવેલા જંગલ વિસ્તારમાં તેમજ ફુટપાથ ઉપર દિન પ્રતદિન ઝુંપડપટ્ટીઓમાં વધારો થઇ રહ્યો છે.
જેને પરિણામે ગુનેગારી વધવાની શક્યતા રહેલી છે. સેક્ટરમાં આડેધડ ખોદકામ કર્યા બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં નહી આવતા પસાર થતાં વાહનચાલકો હાલાકી વેઠી રહ્યા છે. કોમનચોકમાં સફાઇનો અભાવ, ઉભરાતી ગટરો, રખડતા ઢોર સહિતની પ્રાથમિક સમસ્યાઓનો ઉકેલ નહી આવતા વસાહતીઓમાં રોષ ઉઠવા પામ્યો છે.
વસાહતીઓ દ્વારા નિયત કરેલો મિલક્ત વેરો ભરવા છતાં પ્રાથમિક સમસ્યા ઠેરની ઠેર અને સુવિધાઓ નહી મળતા આ મામલે ઉગ્ર રજુઆત કરવાાનું સર્વાનુમતે બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. સેક્ટરની સમસ્યાઓના ઉકેલ માટે અને પ્રાથમિક સુવિધાઓ માટે સબંધિત વિભાગમાં લેખિત રજુઆત કરવાનું સર્વાનુમતે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સેક્ટર-6 જાગૃત વસાહત મંડળના પ્રમુખ ચંદ્કાન્ત સોનીએ જણાવ્યું છે. બેઠકમાં વસાહત મહામંડળના પ્રમુખ કેશરીસિંહ ઉપસ્થિત રહ્યા હતા.