યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારતના વલણથી અમેરિકા નારાજ થયું
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UN)માં યુક્રેન પર રશિયન હુમલા વિશે દરેક પક્ષોને તણાવ ઓછો કરવાની અપીલ કરી છે. ભારતે હંમેશા એવું કહ્યું છે કે, રાજકીયનીતિથી આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. એક બાજુ મોટા ભાગના દેશો યુક્રેનમાં હુમલાને તેમની સંપ્રભુતાનું ઉલ્લંઘન માનીને રશિયાની નિંદા કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ભારતે સુરક્ષા પરિષદમાં ના રશિયાનિ નિંદા કરી છે અને ના કદી યુક્રેનની સંપ્રભુતાની વાત કરી છે.
ભારતના આવા તટસ્થ વર્તન વિશે અમેરિકાએ હજી સુધી ખુલીને કશુ નથી કહ્યું પરંતુ એવું માનવામાં આવે છે કે, અમેરિકાના અધિકારીઓએ તેમના ભારતીય સમકક્ષો સાથે આ વિશે નારાજગી વ્યક્ત કરી છે.યુક્રેનમાં રશિયા હુમલા વચ્ચે હવે એ સવાલ ખૂબ મહત્વનો થઈ ગયો છે કે, ભારત કોના પક્ષમાં છે? ભારતે હજુ સ્પષ્ટ પણ કોઈને સમર્થન નથી કર્યું અને કોઈની નિંદા પણ નથી કરી. એક બાજુ મોટા ભાગના દેશો રશિયનાના હુમલાની નિંદા કરી રહ્યા છે ત્યારે ભારતે અત્યાર સુધી રશિયાના હુમલા વિશે કોઈ નિવેદન આપ્યું નથી. આ દરમિયાન અમેરિકામાં પણ સવાલો ઉભા થવા લાગ્યા છે કે, ભારત અમેરિકાના પક્ષમાં છે કે રશિયાના સમર્થનમાં. બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાની યુક્રેન પર કરવામાં આવતી કાર્યવાહીમાં કોઈને પણ દખલગીરી ના કરવા સ્પષ્ટ કહ્યું હતું. પરંતુ યુક્રેનના કહેવાથી વડાપ્રધાન મોદીએ પુતિન સાથે આ વિશે ચર્ચા કરી હતી. તેથી માનવામાં આવે છે કે, પુતિન પણ ભારતના આ વલણના કારણે તેમનાથી નારાજ છે. જ્યારે યુક્રેન ભારતથી એટલા માટે નારાજ છે કારણકે દરેક દેશોએ રશિયા દ્વારા કરવામાં આવતા યુદ્ધની જાહેરમાં નિંદા કરી છે પરંતુ ભારતે આ વિશે રશિયાને કશું જ સ્પષ્ટ કહ્યું નથી. આમ, રશિયા-યુક્રેનના યુદ્ધમાં ભારતની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે.
પીટીઆઈના એક રિપોર્ટ પ્રમાણે યુક્રેન સંકટ પર વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોએ બાઈડનને સવાલ કર્યો કે, રશિયા હુમલા મુદ્દે ભારત અમેરિકાની સાથે છે? આના જવાબમાં બાઈડને કહ્યું હતું કે, અમે ભારત સાથે યુક્રેન સંકટ વિશે ચર્ચા-વિચારણાં કરવાના છીએ. આ મુદ્દે હજી સંપૂર્ણ કોઈ ઉકેલ દેખાતો નથી.
માનવામાં આવે છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ વિભાગ, વિદેશ વિભાગ અને અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદથી લઈને વિવિધ સ્તરે બાઈડન પ્રશાસન યુક્રેન સંકટ પર ભારતનું સંપૂર્ણ સમર્થન ઈચ્છે છે અને ઘણાં લેવલે ભારતીય સમકક્ષ સાથે વાતચીત કરવામાં આવી રહી છે.આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકન ગુરુવારે ભારતીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર સાથે યુક્રેન સંકટ પર વાતચીત કરી છે. બ્લિંકને ભારતીય વિદેશ મંત્રીને વાતચીતમાં કહ્યું છે કે, રશિયા હુમલાની નિંદા કરવા, યુક્રેનથી રશિયન સૈનિકોને તુરંત પરત બોલાવવા અને યુદ્ધ વિરામનું શરૂઆત કરવા માટે એક મજબૂત સામૂહિક નિવેદન આપવું જરૂરી છે.
ફોન પર થયેલી વાતચીતમાં એસ.જયશંકરે એક ટ્વિટ પણ કરી છે. જેમાં તેમણે માત્ર એટલું કહ્યું છે કે, યુક્રેન સંકટ વિશે અમેરિકાના વિદેશ મંત્રી સાથે વાતચીત થઈ છે.યુક્રેન પર રશિયાએ કરેલા હુમલામાં ભારત ધરમ સંકટમાં છે કે તે કોનો પક્ષ લે. જોકે ભારત પહેલેથી રશિયા સંબંધી મુદ્દે નિષ્પક્ષ રહ્યું છે. પરંતુ હવે ભારત માટે આ મુદ્દે તટસ્થ રહેવું સરળ નથી. રશિયાની સાથે ભારતની ઐતિહાસિક મિત્રતા રહી છે. ભારતના રશિયા સાથે સૌથી મજબૂત રક્ષા સંબંધ છે.
તે ઉપરાંત છેલ્લાં દોઢ દાયકાથી ભારતના અમેરિકા સાથેના રાજકિય સંબંધો પણ ખૂબ સારી રીતે આગળ વધ્યા છે. બીજી બાજુ ચીનની વધતી આક્રમકતા રોકવા માટે પણ ભારતને અમેરિકાના સાથની જરૂર છે. ચીન મુદ્દે અમેરિકાએ હંમેશા ભારતને સાથ આપ્યો પણ છે.