ગાંધીનગરના ગિફ્ટ સિટી પાસે મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન રહેણાંકના બે ટાવર બનાવશે
ગાંધીનગર :
પાટનગર ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટી પાસે ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચને ખરીદેલી જમીનમાં બે મલ્ટીસ્ટોરિયેડ ટાવર ઉભા કરવામાં આવનાર છે. ૨૫ થી ૩૦ માળના આ ટાવર વૈભવી રહેઠાણો માટે બનાવવામાં આવશે. મેગાસ્ટાર ૨૦૧૦માં ગુજરાત પ્રવાસન નિગમની ‘ખુશ્બુ ગુજરાત કી’ નામનું એડ કેમ્પેઇન શરૂ કર્યું હતું. આ વિડીયો અને ઓડિયો શ્રેણીમાં તેમણે રાજ્યના પ્રવાસન સ્થળોનો પ્રચાર શરૂ કર્યો હતો. દરમ્યાન તેમણે ગિફ્ટની નજીક આવેલા શાહપુરમાં અમિતાભ બચ્ચને ૨૦૧૧માં ૨૩૬૧૯ ચોરસમીટર જમીન સાત કરોડ રૂપિયામાં ખરીદ કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચને ગિફ્ટ સિટી પાસે પ્લોટમાં રહેણાંકના ટાવર બનાવવાની રાજ્ય સરકાર પાસે મંજૂરી માગી છે. તેમનો પ્લોટ ગિફ્ટ અર્બન ઓથોરિટી વિસ્તારમાં નદી કિનારે આવેલો છે કે જ્યાં રાજ્ય સરકારે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ કરી રહી છે. ગિફ્ટસિટીના આ વિસ્તારમાં મેટ્રોરેલ યોજના પણ કાર્યાન્વિત થઇ રહી છે. વિરમ ગમારાની આ પ્રોપટી ૬.૯૫ કરોડ રૂપિયા આપીને મુંબઇના રાજેશ યાદવના નામે પાવર ઓફ એટર્ની દ્વારા ખરીદવામાં આવી હતી. ૨૩મી નવેમ્બર ૨૦૧૧માં તેનું રજીસ્ટ્રેશન થયું છે. જમીન વેચતા પહેલાં ગમારાને મુંબઇમાં અમિતાભ બચ્ચનના ઘરે આવવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. અમિતાભ બચ્ચને જ્યારે જમીન લીધી ત્યારે તેમણે આ જમીનને બિનખેતી કરાવી હતી અને ફાઇવસ્ટાર હોટલના નિર્માણની જાહેરાત પણ કરી હતી. છેલ્લા ઘણાં સમયથી આ પ્રોજેક્ટમાં નક્કર કામગીરી થઇ નથી પરંતુ હવે આ જમીન પર અમિતાભ બચ્ચન મલ્ટીસ્ટોરિયેડ ટાવર બનાવી રહ્યાં છે. ગિફ્ટ સિટીના ટાવરનું સંકલન અમિતાભ બચ્ચ સાથે પારિવારિક સબંધો ધરાવતા ગુજરાત કેડરના એક વરીષ્ઠ અધિકારી કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચન જ્યારે ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર હતા ત્યારે આ અધિકારીએ તેમને ગિફ્ટ સિટી પાસે પ્લોટ અથવા મિલકત ખરીદવા માટે સમજાવ્યા હતા. આ પ્રોપટીની કિંમત હાલના બજારભાવ પ્રમાણે ૭૦ કરોડ રૂપિયાની આસપાસ છે. ગિફ્ટ સિટીના નિયમો પ્રમાણે ૫૦ ટકા વિસ્તાર ગિફ્ટ સિટી શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા લેવામાં આવશે.