યુક્રેનમાં ફાયરિંગની વચ્ચે સુરતના વિદ્યાર્થીઓને પોલેન્ડ- રોમાનિયાની બોર્ડર સુધી લવાયા
રશિયા અને યુક્રેન વચ્ચેની વાર્તા બેઠક પડી ભાંગતા રશિયાએ કીવ સહિતના વિસ્તારમાં હુમલો કર્યો છે. ભારતના એક વિદ્યાર્થીનું મોત થયુ છે. ત્યારે ઇન્ડિયન એમ્બેસી દ્વારા યુક્રેનના કીવ સહિતના વિસ્તારમાં રહી ગયેલા વિદ્યાર્થીઓને કીવ છોડી દેવાની સુચના અપાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી થઇ છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત કાઢવા તંત્ર કામે લાગ્યું છે અને ટ્રેન મારફતે પોલેન્ડ અને રોમાનિયાની બોર્ડર સુધી મોકલવામાં આવી રહ્યા છે.
ઈન્ડિયન એમ્બેસીએ ફરજીયાત કીવ છોડવા આદેશ કર્યો
કીવ નેશનલ યુનિવર્સિટી એમ.બી.બી.એસ (વેટરનીટી)નો અભ્યાસ કરતા દેવમના પિતા મુકેશ શાહે કહ્યું કે, મારા દિકરા અને તેના મિત્રને ઇન્ડિયન એમ્બસી દ્વારા ફરજિયાત કીવ છોડવા આદેશ અપાયો છે. એક તરફ બોમ્બ અને ફાયરીંગની ધણધણાટી વચ્ચે દેવમ તેના મિત્ર સચિન સાથે કીવથી સલામત રેલ્વે સ્ટેશન પહોંચી ટ્રેન મારફતે તેમને બોર્ડર સુધી લઇ જવાયા છે.
ઉધનામાં રહેતા પરવેઝ પિંજારી અને લિંબાયતમાં રહેતા વિજય કીવમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. ફ્લાઇટ કેન્સલ થતા તેઓ હોસ્ટેલમાં જ રહ્યા હતા. સાયરન વાગે એટલે તેમને બંકરમાં મોકલી અપાતા હતા. જોકે, છેલ્લા 6 દિવસથી ચાલતું યુદ્ધ વધુ આક્રમક થયું છે. રશિયાના હુમલામાં કીવ અને ખારકીવને ભારે નુકશાન થયું છે. ખારકીવ છોડી દેવા આદેશ અપાતા આર્મીની સહાયથી તેમને ટ્રેન સુધી પહોંચાડવામાં આવ્યા છે.