રાજયના મંત્રી ગજેન્દ્રસિંહ પર અનેકવાર બળાત્કાર ગુજાર્યાનો આરોપ, ફરિયાદ ન નોંધતા મહિલાનો આપઘાતનો પ્રયાસ
ગાંધીનગર :
રાજયની ભાજપ સરકારના અન્ન અને નાગરિક પૂરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે લગ્નની લાલચ આપી અનેકવાર શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગાવનાર મહિલાએ AllOut પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આક્ષેપ કરનાર મહિલાએ સવારે ચાંદખેડા ખાતે આવેલા તેના ઘરે ઝેરી દવા AllOut પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જો કે હાલ આ મહિલા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.
આ બાબતે આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાના વકીલ હિરેન શર્માએ જણાવ્યું કે આજે સવારે તેમના મોબાઈલ પર વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, હું આપઘાત કરવા જઈ રહી છું. ગજેન્દ્ર સામે પોલીસે મારી ફરિયાદ નથી લીધી અને તે મારા પર ખોટા ખોટા આક્ષેપો લગાવી મને બદનામ કરી રહ્યો છે. હું સાચી છું, ગજેન્દ્રે મારી સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યો છે. મેસેજમાં વધુમાં જણાવ્યું હતું કે, હવે પરિવાર પણ મારો સાથ નથી આપી રહ્યું, જેથી મારે જીવવાનો કોઈ મતલબ નથી. કિસાન મોરચાના પ્રમુખ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ગજેન્દ્રની સાથે છે. ગજેન્દ્ર પોલીસને પૈસા ખવડાવે છે, જો હું મરી જાઉં તો તેની જવાબદારી આ તમામની રહેશે. જેથી તેમને સજા થવી જોઈએ. મારા માટે એટલું કરજો જેથી મારા આત્માને શાંતી મળે. મારા બધા જ પુરાવાનો પોલીસે નાશ કર્યો છે. પ્રદીપ પરમાર પણ આ બાબતે મને ધમકી આપી હતી અને ગજેન્દ્રનો સાથ આપી રહ્યા છે.