કૌભાંડઃ ૭૦ હજારમાં પશુધન નિરીક્ષક, SI, ઈજનેરની ડિગ્રી ખરીદો, બોગસ ડિગ્રીથી સરકારમાં નોકરી લ્યો
ગાંધીનગર :
ગુજરાતમાં સરકારી નોકરીઓ પેપરલીકેજ, સેટિંગ કે લાગવગથી જ નથી વેચાતી પરંતુ, બોગસ ડિગ્રીના આધારે પણ તેનો વેપલો ચાલી રહ્યો છે. ગુજરાત બહારની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યા વગર જ માત્ર ૪૦ દિવસ રૂ.૭૦ હજારમાં ડિગ્રી, સર્ટિફિકેટ ખરીદીને વર્ગ-૩ની પશુધન MPHW, લેબ ટેક, સેનેટરી ઈન્સ્પેક્ટર- SI, ઉર્જા કંપનીઓમાં ઈજનેરોની ભરતીમાં સેંકડો ઉમેદવારો નોકરી મેળવી ચૂક્યાનો દાવો મંગળવારે એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે.
મોડાસામાં લોર્ડ કિના એકેડમી ચલાવતા આર.એમ.પટેલના સ્ટ્રીંગ ઓપરેશન મિડીયા સમક્ષ રજૂ કરતા યુવરાજસિંહે કહ્યુ કે, વિડીયો-ઓડિયોમાં જ તેઓ સરકારી નોકરી માટે ૪૦ દિવસમાં ગુજરાત બહારથી રૂ.૭૦ હજારમાં ડિગ્રી- સર્ટિફિકેટ લાવી આપવાનું સ્વિકારે છે. હાલમાં વર્ગ-૩માં ભરતીઓ જાહેર થઈ છે, નવી જાહેરાતો આવે છે. આ તકનો લાભ લઈને બોગસ ડિગ્રી- સર્ટિફિકેટનો વેપલો કરતા એજન્ટ સક્રિય છે. આર.એમ.પટેલ ઉર્ફે રમેશ પટેલે ધોરણ ૧૦-૧૨ પાસ સેંકડો ઉમેદવારોને બહારથી રાજ્ય ડિપ્લોમા – ડિગ્રી વેચી છે. આવી બોગસ ડિગ્રીઓથી ઉર્જા વિભાગની ઓનલાઈન ભરતીઓમાં ચાલતા વેપલામાં સેંકડોને નોકરીઓ પણ મળી ગઈ છે.
વર્ષ ૨૦૧૬માં પશુધન નિરીક્ષકની ભરતીમાં ગૌણ સેવા પસંદગી મંડળના પરીણામ બાદ જાહેરાતમાં માન્યતા વગરના સર્ટિફિકેટને કારણે ૬૦ ઉમેદવારોનેગેરલાયક ઠેરાવ્યામાં આવ્યા હતા. આ ઉમેદવારો પણ રમેશ પટેલના સપંર્કથી બોગસ ડિગ્રી મેળવ્યાનો દાવો કરતા યુવરાજસિંહે કહ્યુ કે, ઉમેદવારો ફોર્મ ભરે ત્યારે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઘણા કિસ્સામાં વર્ષ બદલાયેલા તો કેટલાકમાં યુનિવર્સિટીઓ જ અલગ અલગ હતી. કિકતમાં ઉત્તરપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મણીપુર, રાજસ્થાન, મેઘાલય જેવા રાજ્યમાં યુનિવર્સિટી કે સંસ્થાના સર્ટિફિકેટનુ ક્રોર વેરિફિકેશન થવુ જોઈએ પરંતુ, આ આખાય કૌભાંડમાં અધિકારીઓની પણ સામેલગીરી હોવાથી તેઓ રાજ્ય બહાર પ્રવાસ કરીને તપાસ જ કરતા નથી. જાડેજાએ બોગસ સર્ટિનો વેપલો ખોલીને બેસલા એજન્ટોથી લઈને તેના આધારે નોકરીઓમાં ધુસણખોરી કરી ચૂકેલા સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.