ગાંધીનગર : 53 પરીક્ષા કેન્દ્રો પર ધોરણ-10 અને 12ના 83956 વિદ્યાર્થી પરીક્ષા આપશે
ગાંધીનગર :
શિક્ષણ બોર્ડની 28મી, માર્ચથી શરૂ થનાર ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષામાં જિલ્લાના 83956 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે જિલ્લામાં કુલ-53 કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્મમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા પંદર દિવસ મોડી આગામી 28મી, માર્ચથી શરૂ થશે. પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓની પાસેથી ઓનલાઇન ફોર્મ મંગાવવામાં આવ્યા હતા. જિલ્લામાંથી ધોરણ-10ની પરીક્ષા આપવા માટે 26897 વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી બેઠક વ્યવસ્થા માટે જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં કુલ-32 પરીક્ષા કેન્દ્રો ઉભા કરાયા છે. જ્યારે ધોરણ-12 સાયન્સના 4310 રેગ્યુલર અને 300 રિપીટર સહિત કુલ 4610 વિદ્યાર્થીઓ માટે માણસા, ચાંદખેડા, ગાંધીનગર શહેર અને ગાંધીનગર ગ્રામ્ય એમ ચાર કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા ગોઠવાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના 13449 વિદ્યાર્થીઓ માટે 17 પરીક્ષા કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. જોકે શિક્ષણ બોર્ડના નિયમ મુજબ એક બ્લોકમાં 20 વિદ્યાર્થીઓ લેખે કુલ-83956 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે કુલ-4220 બ્લોકનો ઉપયોગ કરાશે.
રાજ્યના શિક્ષણ વિભાગની નિયત કરેલા નિયમોના પાલન સાથે ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ બોર્ડની ધોરણ-10ની પરીક્ષામાં રેગ્યુલર 22448 વિદ્યાર્થીઓની સામે ખાનગી રેગ્યુલર, રિપીટર, આઇસોલેટેડવાળા 4607 વિદ્યાર્થીઓ છે. જ્યારે કુલ-158 વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં રેગ્યુલર 11247માંથી 2202 રિપીટર, આઇસોલેટેડ, ખાનગી રેગ્યુલર સહિતનો સમાવેશ થાય છે.