ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોયા બાદ સમાજના બે ટુકડા થઈ જશે’ : નાના પાટેકર
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ વિવાદમાં પણ રહી છે. ફિલ્મ પર પ્રૉપગૅન્ડા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સો.મીડિયામાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે ફિલ્મમાં માત્ર એક પક્ષની જ વાત કરવામાં આવી છે. આ અંગે હવે બોલિવૂડ એક્ટર નાના પાટેકરે વાત કરી છે. ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નાના પાટેકરે કહ્યું હતું કે દેશમાં અમન-શાંતિનો માહોલ છે. દરેક ધર્મના લોકો સાથે રહે છે. આવા સમયે કારણ વગરની બબાલ ઊભી કરવી યોગ્ય નથી. આટલું જ નહીં તેમણે સીધા શબ્દોમાં કહ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોઈને સમાજના બે ટુકડા થઈ જશે અને સમાજમાં આ રીતના ભાગલા પાડવા યોગ્ય નથી.
નાના પાટકરે ન્યૂઝ ચેનલ ‘આજ તક’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ફિલ્મ બનાવીને તથા બતાવીને કારણ વગરનો હંગામો મચાવવામાં આવ્યો છે. આ યોગ્ય નથી. દેશમાં હિંદુ તથા મુસ્લિમ લોકો બંને અમન તથા શાંતિથી રહે છે. બંને ધર્મના લોકો અહીંયાના જ છે. આ માહોલ ખરાબ કરવા જેવી વાત છે.
નાના પાટેકરે વધુમાં કહ્યું હતું, ‘ભારતના હિંદુઓ તથા મુસલમાનો આ દેશના છે. બંને કોમ અમન તથા શાંતિથી રહે તે જરૂરી છે. બંને સમુદાયને એકબીજાની જરૂર છે. સમાજમાં બંને એકબીજા વગર રહી શકતા નથી. જ્યારે તમામ લોકો શાંતિથી જીવે છે તો કોઈ ફિલ્મને કારણે વિવાદ ઊભો કરવો યોગ્ય નથી. જે આમ કરે છે, તેમની પાસે જવાબ માગવો જોઈએ. ફિલ્મ જોયા બાદ સમાજના બે ટુકડા થઈ જશે, સમાજના આ રીતે ભાગલા પાડવા ઠીક નથી.’
પબ્લિક ડિમાન્ડ વધતા થિયેટરની સ્ક્રીન્સ વધારીને 4000 કરવામાં આવી છે. 12 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ પહેલાં દિવસે 600 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. ત્યારબાદ 2 હજાર સ્ક્રીન્સ કરવામાં આવી હતી. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલાં વીકમાં 97.30 કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં પલ્લવી જોષી, અનુપમ ખરે, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર જેવા કલાકારો છે.