ગાંધીનગર

ગાંધીનગર: વાસણા હડમતિયા ખાતે આર્થિક નબળા વર્ગ માટે 1BHKનાં 1352 આવાસોનું નિર્માણ GUDA દ્વારા કરાશે

ગાંધીનગર:

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડા) દ્વારા વાસણા હડમતિયા ગામ ખાતે આર્થિક નબળા વર્ગના લોકો માટે ફ્લેટ ટાઈપ 1352 આવાસોનું નિર્માણ કરવામાં આવશે. જેના માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ગુડા દ્વારા કુલ 5 હજાર 493 આવાસો બાંધવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જે પૈકી અત્યાર સુધીની સૌથી મોટી આવાસ યોજના વાસણા હડમતિયા ટીપી – 9 ખાતે ઉભી કરવામાં આવશે.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા EWS પ્રકારના આવાસો નિર્માણ કરીને આર્થિક નબળા વર્ગનાં લોકોને પણ ઘરનું ઘર મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું છે. ગુડા દ્વારા ગાંધીનગરમાં કુલ 5493 આવાસો નિર્માણ કરવાનું લક્ષ્ય છે. જે પૈકી અત્યાર સુધીની સૌથી મોટી વસાહત ટીપી – 9 વાસણા હડમતિયા ખાતે નિર્માણ પામશે. અહીં 114.42 કરોડના ખર્ચે 1 બેડરૂમ, હોલ, કિચન અને ટોઇલેટની સુવિધા ધરાવતા આવાસ બાંધવામાં આવનાર છે. તેના માટે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

વર્ષો અગાઉ રાયસણ વિસ્તારમાં એક સાથે 1200 જેટલા આવાસ બાંધવામાં આવ્યા હતાં. હવે સરગાસણમાં પણ એક સાથે મોટી આવાસ ધરાવતી વસાહતની જાહેરાત ગુડાના બજેટ વખતે કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત કુડાસણ, વાવોલ અને પેથાપુરમાં પણ આર્થિક નબળા વર્ગના પરિવારો માટેના આવાસ બાંધવામાં આવનાર છે. કુલ મળીને ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારા રૂપિયા 227 કરોડનો ખર્ચ ઇડબલ્યુએસ આવાસ માટે જ કરવામાં આવનાર છે.

ગાંધીનગરના શહેરી વિસ્તારમાં બંધાનારા 5493 આવાસ પૈકીના 2828 આવાસ આગામી ડિસેમ્બર મહિના સુધીમાં તૈયાર થઇ જશે. તેમાં કુડાસણમાં 336નું કામ પુર્ણ થયું છે. સરગાસણમાં 392 આવાસનું કામ જુન મહિનામાં, પેથાપુરમાં 100 આવાસનું કામ જુલાઇ મહિનામાં અને વાવોલમાં 288 તથા 504 અને સરગાસણમાં બીજા પ્લોટમાં 1208 આવાસનું કામ આગામી ડિસેમ્બરમાં પુરુ થવાની ધારણા છે. આ દરમિયાન વાસણા હડમતિયામાં 1352 આવાસ, સરગાસણમાં અન્ય પ્લોટમાં વધુ 624 આવાસ અને વાવોલમાં જુદા જુદા બે પ્લોટમાં 369 અને 320 ફ્લેટ ટાઇપ આવાસનું કામ આગામી જુન મહિનાથી ચાલુ કરવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x