ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ઉપક્રમે યોજાઈ રાજ્યકક્ષાની અંડર-14 ચિત્ર-ગીત-વક્તૃત્વ-નૃત્ય સ્પર્ધા
ગાંધીનગરઃ
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનરશ્રીની કચેરી અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ દ્વારા હાલમાં જ રાજ્યકક્ષાની અંડર-14 – ચિત્ર, ગીત, વક્તૃત્વ અને નૃત્ય – સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી ૧૫૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ દરેક સ્પર્ધામાં ત્રણ-ત્રણ મળીને કુલ ૧૨ વિદ્યાર્થી વિજેતા બન્યા. મોટી સંખ્યામાં ઉમટેલા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની હાજરીમાં ગાંધીનગરમાં વનચેતના કેન્દ્રના મુખ્ય હોલમાં આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ, નાયબ શિક્ષણ નિયામક શ્રી મહેશભાઈ મહેતા, રાજ્ય રમત-ગમત પરિષદના સચિવ શ્રી બળદેવભાઈ દેસાઈ, જાણીતા લોકગાયિકા સુશ્રી દિવ્યાબહેન ચૌધરી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિ, સ્કૂલ ઑફ ચાઇલ્ડ, યૂથ અને ફેમિલી ડેવલપમેન્ટના ડાયરેક્ટર ડૉ. રાકેશ પટેલ, વિદ્યાનિકેતન વિભાગના અધ્યક્ષ ડૉ. કુણાલ પંચાલ વગેરે ઉપસ્થિત રહ્યા. આ તકે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહે બાળકોને પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તક પૂરતાં સીમિત ના રાખતાં, મેદાન અને મંચ પર લાવવા આહ્વાન કર્યું. પોતાના બીજ વક્તવ્યમાં શ્રી મહેશભાઈ મહેતાએ કહ્યું કે, બાળકોમાં ભીતર રહેલી શક્તિઓ બહાર લાવવાનો પ્રયત્ન વિદ્યાર્થીકાળમાંથી જ થવો જોઈએ. શ્રી બળદેવભાઈ દેસાઈએ પણ જીવન જીવવા માટે કેટલીક કલાઓ મહત્ત્વની છે અને ગીત-સંગીત, નૃત્ય, ચિત્ર અને વક્તૃત્વ તેમાં મુખ્ય છે તેમ જણાવ્યું. ઉદ્ઘાટન સત્ર પછી ચારેય સ્પર્ધાઓ સ્પર્ધાઓ શરૂ થઈ. જેમાં ચિત્રમાં ૩૯, ગીતમાં ૩૮, નૃત્યમાં ૩૯ અને વક્તૃત્વમાં ૩૭ મળીને કુલ ૧૫૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ ચારેય સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ આવનાર વિદ્યાર્થીને રૂપિયા ૧૧,૦૦૦, દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનારને રૂ. ૭,૫૦૦ અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને રૂ. ૫૦૦૦ પુરસ્કારરૂપે આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમના કોઓર્ડિનેટર અને કો-કો-ઓર્ડિનેટર વિદ્યાનિકેતન વિભાગના મદદનીશ અધ્યાપકો ડૉ. શિલ્પાબહેન વાળા અને ડૉ. પાર્થવીબહેન ડામોર રહ્યાં.