રાજ્યમાં માસ્કમાંથી મુક્તિ નહીં મળે : આરોગ્ય મંત્રી
ગાંધીનગર :
સમગ્ર દેશમાં કોરોના કેસમાં સાવ ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે દેશની વિવિધ રાજ્ય સરકારોએ નાગરિકોને ફરજિયાત માસ્કમાંથી મુક્તિ આપી છે. જો કે, ગુજરાતના નાગરિકોને માસ્કમાંથી મુક્તિ નહીં મળે. આઇસીએમઆરની ગાઇડલાઇન મુજબ ગુજરાતમાં માસ્ક ફરજિયાત રહેશે તેવું નિવેદન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું છે.
મહારાષ્ટ્રમાં ફરજિયાત માસ્કમાંથી મુક્તિ અપાઇ છે. અન્ય કેટલાંક રાજ્યો પણ આ દિશામાં વિચારી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર આ મામલે કોઇ નિર્ણય અંગે વિચારણા કરી રહી છે કે નહીં? તેવું પૂછતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, દેશમાં કોરોનાના તમામ નિયંત્રણ દૂર કરવાની સાથે આઇસીએમઆરે બે નિયંત્રણ યથાવત રાખી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને ફરજિયાત રાખ્યા છે. આપણે આઇસીએમઆરની ગાઇડલાઇનનું પાલન કરવાનું છે. રાજ્યમાં કોરોનાના કેસ સાવ ઓછા નોંધાય છે પરંતુ ભવિષ્યમાં કેસ વધે નહીં તે માટે આપણે ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે. આજે 2 વર્ષ પછી પહેલી જ વખત અમદાવાદમાંથી પોલીસે માસ્ક પહેર્યા વગર એક પણ વ્યકિત પકડી નથી. તેનો અર્થ એવો નથી કે અમદાવાદમાં બધા માસ્ક પહેરે છે, પરંતુ પોલીસે માસ્ક વિનાના લોકો પાસેથી દંડ વસૂલવાનું બંધ કરી દીધું છે. લૉકડાઉન જાહેર થયું ત્યારથી આજ દિન સુધી પોલીસે અમદાવાદમાંથી માસ્ક વિનાના 8.40 લાખને પકડ્યા હતા, જેમની પાસેથી રૂ.69.90 કરોડ દંડ વસૂલાયો છે.