રાજયની શાંતિ ડહોળવાનો પ્રયાસ : રામ નવમીની શોભા યાત્રામાં પથ્થરમારો થયો, જાણો વધુ
ગુજરાતમાં શાંતિના દુશ્મનો ફરીથી એક્ટિવ થયા છે અને રાજયની શાંતિનો ડહોળવાના પ્રયાસ કરી રહ્યા છે. હિંમતનગર (Himmatnagar) માં રામ નવમી (Ramnavami) ની શોભા યાત્રામાં પથ્થરમારો થયો છે, જેના પગલે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ ભીડને વેરવિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયરગેસના સેલ પણ છોડાયા છે. ત્યાં જ આણંદ (Anand) ના શક્કરપુરા (shakkarpura) માં પણ રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે. આમ રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામ (Lord Ram) ની શોભાયાત્રામાં રાજ્યના બે જિલ્લામાં પથ્થરમારાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.
પ્રથમ ઘટનાની વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના પગલે બે પોલીસકર્મી સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન પાંચથી વધારે વાહનોને આગચંપી કરાઈ હતી. ઘટનાના પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી સાથે જ સમગ્ર વિસ્તારમાં કોઇ અનઇચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા અરવલ્લી જિલ્લા પોલીસ વડા સહિત રેન્જ આઇજી ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ સંભાળી લીધી છે. પથ્થરમારાની ઘટનાના પગલે સમગ્ર શહેરમાં અફવાઓનું બજાર ગરમાયુ છે. શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા બાદ પોલીસ દ્વારા સાત રાઉન્ડ ટીયરગેસ છોડાયા હતા.
બીજી ઘટના ખંભાતના શક્કરપુરાની છે જ્યાં શાંતિના દુશ્મનોએ રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કર્યો હતો. અહીં રામનવમીની શોભાયાત્રા નીકળી હતી ત્યારે બે જુથો વચ્ચે પથ્થરમારો થયો હતો. શક્કરપુરા ગ્રામ પંચાયતની વાત કરીએ તો અહીં પટેલ સમાજ અને દલિતોની વસ્તી છે સાથે જ મોટી સંખ્યામાં લધુમતી સમાજના લોકો પણ રહે છે. આજે અહીં લઘુમતી સમાજના લોકોના વિસ્તારમાંથી રામનવમીની શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો અને જેના કારણે શોભાયાત્રામાં ભગદડ મચી જવા પામી હતી.