ગુજરાત

ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ (સ્થાપના : ૧૯૪૬)ના પ્રમુખ તરીકે જયરાજસિંહ પરમારની વરણી 

ગાંધીનગર :

આઝાદી પહેલાથી વિસનગર સમગ્ર ઉત્તર ગુજરાતનું વિદ્યા પ્રાપ્તિનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. આઝાદીનો સૂર્ય ક્ષિતિજ પર દેખાઈ રહ્યો હતો. રાજપૂત સમાજ રજવાડા, જમીન- જાગીરો હસતાં હસતાં દેશને એકીકૃત કરવા સોંપી રહ્યો હતો. હવે સમાજ સમક્ષ શિક્ષણ અને રોજગારીના, સામાજિક અને રાજકીય અસ્તિત્વના નવા પ્રશ્નો આવવાના હતા. દેશમાં હજી આવાગમનની યોગ્ય સુવિધાઓ ન્હોતી. વિસનગર ખાતે ૧૯૪૬માં જ એમ.એન. કોલેજની સ્થાપના થઈ. એમાં અભ્યાસ માટે ઉત્તર ગુજરાતના દૂર દૂરના ગામડાંમાંથી યુવાનો આવે એ નક્કી હતું. આવી સમન્વયની ક્ષણોમાં આજ શિક્ષણભૂમિમાં ચંદનસિંહ હરિસિંહ પરમાર(કાંસા), ભવાનસિંહ વિહોલ (પીલવાઈ), વાઘજીભાઈ સોલંકી (સીપોર), કચરાજી ચાવડા (ખંડોસણ) જેવા દૂરંદેશી સામાજિક અગ્રણીઓએ રાજપૂત તેમજ અન્ય સમાજોના વિદ્યાર્થીઓ વિસનગરમાં રહીં અભ્યાસ કરી શકે એ માટે ૧૯૪૬ (વર્ષ-૦૧/૦૪/૧૯૪૬ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર -A-૮૬૫, મહેસાણા) માં ઉત્તર ગુજરાત રાજપૂત સમાજની સ્થાપના કરી. રાજપૂત સમાજની આ સમગ્ર ઉત્તર ગુજરાતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. જેની સાથે ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓના હજારો રાજપૂતો જોડાયેલા છે. આ સંસ્થા અંતર્ગત સૌ પહેલા હોસ્ટેલની શરુઆત થઈ. આ હોસ્ટેલમાં રહીં અભ્યાસ કરતાં રાજપૂત તેમજ અન્ય સમાજોના હજારો વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરી રહ્યાં છે. હોસ્ટેલ બાદ સમયની માંગને જોતાં ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ દ્વારા જય સોમનાથ હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી, જે હાલ શેઠ શ્રી પી. જે. ચાવડા હાઈસ્કૂલ તથા બાશ્રી હંસાબા ચંદનસિંહ રાજપૂત પ્રાથમિક શાળા તરીકે જાણીતી છે અને એક વિશાળ તથા અદ્યતન સંકુલનું નિર્માણ થયું. આ ઉપરાંત પાટણ ખાતે દાનસિંહજી જાડેજા રાજપૂત કુમાર છાત્રાલય પણ કાર્યરત છે. છેલ્લા પંચોતેર વર્ષોમાં ઈશ્વરસિંહ ચાવડા (પૂર્વ પ્રમુખ, મહેસાણા જિલ્લા પંચાયત અને પૂર્વ મંત્રીશ્રી, ગુજરાત સરકાર), ગુમાનસિંહ વાધેલા (ઠાકોર સાહેબ, દિયોદર અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ), પૃથ્વીસિંહ ચાવડાા (પડુસ્મા), ચંદનસિંહ રાજપૂત (જાણીતા એડવોકેટ), સી.જે. ચાવડા (ધારાસભ્ય, ગાંધીનગર) જેવા અનેક સામાજિક અગ્રણીઓએ આ સંસ્થાના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે.

આવી એક ગૌરવવંતી સંસ્થાના પ્રમુખ તરીકે જયરાજસિંહ પરમારની વરણી કરવામાં આવી એ મહત્વની ઘટના છે. જયરાજસિંહ પરમાર છેલ્લા ૩૫ કરતાં વધુ વર્ષોથી જાહેર જીવન સાથે જોડાયેલા છે. પક્ષા-પક્ષ-જ્ઞાતિ-જાતિથી પર રહીં હરહંમેશ નાનામાં નાના માણસ માટે કાર્યરત રહ્યાં છે. આવા યુવા-ઉત્સાહી અને વિઝનરી વ્યક્તિની ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પસંદગી સંસ્થાના આગળના વિકાસનો પથ પ્રદર્શિત કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x