ગાંધીનગર મહાનગરપાલિકામાં 988 કર્મચારીઓની નવી ભરતી થશે
ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં એજન્ડા બહાર નવાં મહેકમની પુરવણી દરખાસ્ત રજૂ કરી દેવાતા સભામાં સન્નાટો છવાઇ ગયો હતો. જોકે ભાજપના સભ્યો આ દરખાસ્તનો વિરોધ કરી શક્યા નહોતા અને મંજુર કરી દેવું પડયું હતું. વિપક્ષના બે હાજર સભ્યો પણ આ દરખાસ્ત સામે કોઈ વિરોધ કરી શક્યા નહોતા. ૨૦ મિનિટમાં જ સભા આટોપી લેવામાં આવી હતી. નવું મહેકમ મંજૂર થઈ જતા કોર્પોરેશનના કર્મચારીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકામાં તૈયાર કરવામાં આવેલા નવા મહેકમ સામે કર્મચારીઓ છૂપો રોષ જોવા મળ્યો હતો. કેમકે આ નવા મહેકમને કારણે હાલના ચોક્કસ અધિકારી-કર્મચારીઓને ફાયદો થવાનો છે જ્યારે મોટાભાગના અધિકારી-કર્મચારીઓને પ્રમોશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. કોર્પોરેશનને ત્રણ ઝોનમાં વહેંચીને નવા અધિકારી કર્મચારીઓની ભરતી કરવાથી હાલના કર્મચારીઓને સીધો જ અન્યાય થઈ રહ્યો હોવાની રજૂઆતો થઇ હતી. જોકે આજે બોલાવવામાં આવેલી સામાન્ય સભામાં નવા મહેકમની દરખાસ્ત લેવામાં આવી નહોતી પરંતુ એજન્ડા મુજબ કામગીરી પૂર્ણ થઈ ગયા પછી છેલ્લી ઘડીએ પુરવણી દરખાસ્ત તરીકે નવું મહેકમ મુકવામાં આવતા ખુદ ભાજપના સભ્યો પણ અચંબામાં પડી ગયા હતા. કોઇ પણ ચર્ચા વગર નવા મહેકમની દરખાસ્તને મંજુર કરી દેવામાં આવી હતી. સભામાં વિપક્ષના બે સભ્યો હાજર હતા તે પણ આ દરખાસ્ત સામે વાંધો ઉઠાવી શક્યા નહોતા. ૨૦ મિનિટમાં સામાન્ય સભા આટોપી લેવામાં આવી હતી. ભાજપના કેટલાક સભ્યોએ સભા પૂર્ણ થયા બાદ કહ્યું પણ હતું કે, અમને પણ આ દરખાસ્ત અંગે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. ગાંધીનગર કોર્પોરેશનના નવા મહેકમમાં શું માળખું છે તે પણ ભાજપના કેટલાક સભ્યો જાણતા નથી. ત્યારે સામાન્ય સભામાં નવા મહેકમની દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે તેવા સમાચાર મળતાની સાથે કોર્પોરેશનના હયાત કર્મચારીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. હાલ તો આ નવું મહેકમ મંજુર થઈ જતા ગાંધીનગર કોર્પોરેશનમાં આગામી દિવસમાં ૯૮૮ જેટલા નવા અધિકારી-કર્મચારીઓને ભરતી કરવામાં આવશે.