ગાંધીનગર : આરોગ્ય વિભાગની 11 કરોડની ગ્રાન્ટની ઉચાપત કરી કૌભાંડ આચર્યું, ચારની ધરપકડ
ગાંધીનગર :
નૅશનલ હેલ્થ મિશન હેઠળ દર્દીઓને સહાય રૂપ થવા ફાળવવામાં આવતી IDSP અને NVHCP પ્રોગ્રામની ગ્રાંટ આરોગ્ય શાખાના ભળતા નામે ખોટા દસ્તાવેજો ઉભા કરીને બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં 11 કરોડ 13 લાખ 48 હજાર 400ની રકમ રીજિયોનલ એકાઉન્ટ સાથે સંલગ્ન રજીસ્ટર કંપનીઓનાં ભળતા નામ જેવી સાસુ, સસરા અને મિત્રોના નામની કંપનીઓ ઊભી કરી તબક્કાવાર આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કરી દેવામાં આવી છતાં આરોગ્ય વિભાગને ગંધ શુદ્ધા આવી ન હતી. આ અંગે ગુનો દાખલ થતાં જ લોકલ ક્રાઇમ બ્રાંચ – સ્થાનિક પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
ભારત સરકારના નૅશનલ હેલ્થ મિશન હેઠળ આરોગ્ય લક્ષી તમામ યોજનાઓમાં દર્દીઓને સહાય રૂપ થવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જે ગ્રાન્ટ નેશનલ હેલ્થ મિશન હેઠળ એપેડેમિક શાખા ખાતે IDSP અને NVHCP પ્રોગ્રામ હેઠળ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે પૈકી સિકલ સેલ એનીમિયા કંટ્રોલ સોસાયટીને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ પૂર્વ કર્મચારી હાર્દિક પટેલે પોતાના મળતિયાઓ સાથે મળીને ચાઉ કરી દેવાઈ છે. જે અંગે ગાંધીનગર જીવરાજ મહેતા ભવન ખાતે આવેલ કમિશ્નર આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ (આરોગ્ય વિભાગ) ના એપેડેમિક શાખાના વહીવટી અધિકારી પ્રવીણ દેસાઈએ ફરિયાદ આપતા લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવ અને સેકટર-7 પીઆઈ ધર્મેન્દ્ર ચૌધરીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચાર આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે.
આ અંગે આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, મૂળ મહેસાણા જિલ્લાના ઊંઝા ઉપેરા ગામનો હાલમાં સેકટર – 5/A પ્લોટ નંબર 283/1 માં રહેતો હાર્દિક પ્રવીણભાઈ પટેલ સી.એ થયેલો છે. જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ઉક્ત શાખામાં ફરજ બજાવતો હતો. જે શાખાના ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં હોવાથી ગ્રાન્ટના રૂપિયા ક્યાંથી કયા કેવી રીતે ટ્રાન્સ્ફર થાય તેનાથી સારી રીતે વાકેફ હતો.
આ સમગ્ર કાંડ કરવા માટે આરોગ્ય વિભાગની સંબંધિત યોજનાનાં ગુજરાત સિકલ સેલ એનીમિયાનાં ભળતા નામે આણંદની સેન્ટ્રલ બેંકમાં ખોટા પુરાવા ઊભા કરી બેંક એકાઉન્ટ ખોલ્યું હતું. જેમાં તેના મિત્ર યુધીર જાનીને પૂર્વ અધિક નિયામક ડો. દિનકર રાવલ દ્વારા બેંક ટ્રાન્ઝેક્શન માટે ઓથોરિટી આપવામાં આવી હોવાનો લેટર બેંકમાં રજૂ કર્યો હતો. વાસ્તવમાં ડો. દિનકર રાવલ રિટાયર્ડ થઈ ગયા હતા. અને ઈન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર ડો. ઘનશ્યામ પટેલની બદલી થઈ ગઈ હતી.
બાદમાં આરોગ્ય વિભાગની સંબંધિત રીજિયોનલ ખાતા સાથે જોડાયેલી રજીસ્ટર કંપનીઓના અદલ નામે અલગ અલગ વ્યક્તિઓના નામે કંપનીઓ ઊભી કરી બેંક એકાઉન્ટ ખોલ્યા હતા. જેમાં તેના સસરા અશોક પટેલ, સાસુ અલકાબેન પટેલ, મિત્ર હિમાંશુ ગજ્જર અને પટાવાળા યોગેશ સહિતના નામે કંપનીઓ બનાવી હતી. આમ સિકલ સેલ એનીમિયા અંતર્ગત આવતી ગ્રાન્ટ મેઇન બેંક એકાઉન્ટમાં જમા કરવાની જગ્યાએ સાણંદનાં બેંક એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કરાતી હતી.
બાદમાં મળતિયાઓનાં બેંક એકાઉન્ટમાં તબક્કાવાર રીતે ટ્રાન્સ્ફર કરી લેવામાં આવતી હતી. બેંક દ્વારા કોઈ કવેરી આવે તો આરોગ્ય વિભાગની નકલી કલાર્ક બની બેઠેલો યુધીર જાની બેંકમાં જઈને સોલ્વ કરી દેતો હતો. કેમકે પૂર્વ અધિક નિયામક ની સહી સિક્કા સાથેનો ઓથોરાઇઝ્ડ પર્સન હોવાનો લેટર તેના નામથી બેંકમાં આપવામાં આવ્યો હતો. બીજી તરફ વિભાગમાં હાર્દિક પટેલ સી.એ હોવાથી એન્ટ્રીઓ કેવી રીતે બતાવવાની તેનાથી સારી રીતે વાકેફ હતો.
આમ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. યુધીર જાનીનો સોલાર પેનલનો વ્યવસાય છે. અને હાર્દિક પટેલને શેર બજારમાં દેવું વધી જતાં સમગ્ર કાવતરૂ રચીને સરકાર સાથે છેતરપીંડી કરવામાં આવી હતી. આ પૈસાથી વિદેશ યાત્રા પણ કરી આવ્યો છે. જેમાં તેના સાસુ સસરા અને મિત્રોની પણ સંડોવણી બહાર આવતા તેઓની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.