ગુજરાત

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાવવાનું CM નું સપનુ સાકાર નહીં થાય : અર્જુન ખાટરિયા

 

રાજકોટ :

જિલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેમજ આ માટે મુખ્યમંત્રી સહિત ભાજપના હોદ્દેદારો દ્વારા કોંગ્રેસના સભ્યો તોડીને પંચાયત તોડવાનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની દેખરેખમાં જયરાજસિંહ જાડેજા અને ભરત બોધરાએ આ અંગેની તમામ તૈયારીઓ કરી લીધી હોઈ આવતીકાલે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવે તેવી પુરતી શક્યતા છે. ત્યારે આ મુદ્દે અર્જુન ખાટરિયાએ મેરાન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાવવાનું CM નું સ્વપ્નું સાકાર નહીં થાય.

અર્જુન ખાટરિયાએ વધુમાં કહ્યું હતું કે, બહુમતી માટે કુલ 19 સભ્યોની જરૂરિયાત છે. આ પૈકી 15 સભ્યો અમારી સાથે છે. જ્યારે અન્ય 8-10 સભ્યો અમારા સંપર્કમાં છે. તેમજ પક્ષના સારા માટે પ્રમુખપદ છોડવા પણ પોતે તૈયાર હોવાનું તેમણે કહ્યું હતું. કાયદાકીય જોગવાઈ જણાવતા તેમણે કહ્યું હતું કે, હાઇકોર્ટે આપેલા ચુકાદા અનુસાર કોઈપણ પ્રમુખને 6-12 મહિનાનો સમય આપવો જરૂરી છે. ત્યારે આ અનુસાર પણ અવિશ્વાસની દરખાસ્ત પસાર થવી શક્ય નથી. જેને લઈને રાજકોટ જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાવવાનું મુખ્યમંત્રીનું સ્વપ્ન સાકાર થવાની કોઈ શક્યતા નથી.

જો કે સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રીની દેખરેખમાં પંચાયત તોડવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમજ ભાજપ દ્વારા પોતાના દાવાની ખરાઈ માટે સાંજ સુધીમાં કેમ્પમાં રાખેલા તમામ સભ્યોના ફોટા જાહેર કરવામાં આવનાર છે. જેમાં 27 સભ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આવતીકાલે સામાન્ય સભાનો મુખ્ય એજન્ડા સમિતિઓની રચના કરવાનો છે. જેમાં જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ અલ્પા ખાટરિયાએ મુકેલી પેનલની સામે ભાજપ પોતાની પેનલ રજૂ કરશે અને પછી મતદાનથી સમિતિઓ નક્કી થશે.

સમિતિઓને બહુમતીના જોરે પોતાના તરફ કરી લીધા બાદ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવશે. નિયમ મુજબ સામાન્ય સભામાં એજન્ડા સિવાયની દરખાસ્ત માત્ર અધ્યક્ષ સ્થાન એટલે કે પ્રમુખ જ કરી શકે છે. જેને લઈને આ સમાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત નહીં કરાય પરંતુ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બેઠક પૂર્ણ થયાની ઘોષણા કર્યા બાદ ડીડીઓને અવિશ્વાસની દરખાસ્ત સોંપવામાં આવશે. ત્યારે આવતીકાલે યોજાનાર સામાન્ય સભામાં મોટી નવાજુની થવાની શક્યતાઓને નકારી શકાય એમ નથી.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x