ગાંધીનગર : બિલ્ડરના ફાર્મ હાઉસમાં દરોડો પાડતા રૂ.2.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લાના કલોલ પાસેના બિલ્ડરના હિંગળાજ ફાર્મ હાઉસમાં શહેર પોલીસે દરોડો પાડયો હતો અને અહીંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસ દ્વારા ફાર્મહાઉસના ચોકીદારની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે વિદેશી દારૂની ૮૯ બોટલ જપ્ત કરીને પકડાયેલા શખ્સ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. કલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે કલોલમાં આવેલ કે આઈ આર સી રોડ ઉપરના બિલ્ડર રૂપાજી હિરાજી પ્રજાપતિના હિંગળાજ ફાર્મ હાઉસમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે શહેર પોલીસે ફાર્મ હાઉસમાં દરોડો પાડીને ઓરડીમાં રહેતા ચોકીદાર જશુજી નાથાજી ચૌહાણ પાસેથી વિદેશી દારૂની મોંઘીદાટ ૮૯ બોટલો જપ્ત કરી હતી. શહેરના જાણીતા બિલ્ડરના ફાર્મ હાઉસમાંથી રૂપિયા ૨.૭૪ લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપાતાં મામલો આખો દિવસ ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો. શહેર પોલીસે ઓરડીમાં સંતાડેલી વિદેશી દારૂની ૮૯ બોટલ ડબલ બેડના અંદરથી મળી આવતા પોલીસે જપ્ત કરી હતી પોલીસે કુલ ૨,૭૩,૯૨૮ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે એક શખ્સ ભાગી જવામાં સફળ રહ્યો હતો અને પકડાયેલા શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.