કલેકટર મેહુલ દવેના હસ્તે ગાંધીનગર જિલ્લાના આગામી વર્ષના પોટેન્શિયલ લિંકડ પ્લાનનું વિમોચન કરવામાં આવ્યું
ગાંધીનગર તા.૧૨ ડિસેમ્બર –
જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેના હસ્તે ગાંધીનગર જિલ્લા માટે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) દ્વારા તૈયાર કરાયેલ પોટેન્શિયલ લિંક્ડ પ્લાન (PLP) ૨૦૨૬-૨૭નુ તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વિમોચન કરવામાં આવ્યું હતું. આ દસ્તાવેજમાં પ્રાથમિકતા ક્ષેત્રના વિવિધ ઘટકો માટે રૂ. ૧૧૦૨૧ કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જે ગયા વર્ષ કરતાં ૨૨ ટકાનો વધારો દર્શાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોટેન્શિયલ લિંક્ડ પ્લાન (PLP) એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે આગામી નાણાકીય વર્ષ માટે પ્રાથમિકતા ક્ષેત્ર માટે ક્રેડિટ સંભવિતતાનું મૂલ્યાંકન કરે છે. તે ભૌતિક અને નાણાકીય દ્રષ્ટિએ ગ્રામીણ આર્થિક પ્રવૃત્તિઓ માટે જિલ્લાના મુખ્ય હિસ્સેદારોને સામેલ કરીને સહભાગી અને સલાહકારી અભિગમ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

