રાજયમાં ધો.12 સાયન્સનું 72% પરિણામ, જાણો ક્યા જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું
ગાંધીનગર :
ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ સવારે 10.00 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું (GUJCET-2022) પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પાછલાં બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી, જોકે ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબૂમાં આવતાં નક્કી કરાયેલ ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાઓ યોજવામાં આવી હતી. આ વર્ષે રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું આજે રાજ્ય શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. જેમાં વિદ્યાર્થીનીઓ આગળ રહી છે.
રાજ્યમાં ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જ્યારે A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે. આ વખતે સૌથી વધુ સારું પરિણામ મેળવવામાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. રાજકોટમાં આ વખતે 85.78 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. દાહોદ જિલ્લામાં આ વખતે 40.19 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે કેન્દ્ર દીઠ પરિણામ માં લાઠી કેન્દ્રનું સૌથી વધારે 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે. રાજ્યમાં 18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત (050), કેમિસ્ટ્રી (052), ફિઝિક્સ (054) અને બાયોલોજી (056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1 થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.