ગાંધીનગર : કલેકટર કચેરીમાં મહિલા કર્મચારીનાં બાળકો માટે ઘોડિયાઘર તૈયાર કરાયું
ગાંધીનગર:
સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યામાં નોંધનીય વધારો થયો છે. ત્યારે જિલ્લા સેવા સદનમાં ધાત્રી માતા એવી મહિલા કર્મચારીઓના માસુમ બાળકો માટે ઘોડીયા ઘરની સુવિધા ઉભી કરવામાં આવી છે. આધુનિક બાલમંદિર કે આંગણવાડીને ટક્કર મારે તેવી બાળકો માટે પ્લે એરિયા, રમતના સાધનો, ફિડીંગરૂમ, ટોઇલેટ, પેન્ટ્રી સહિતની સુવિધાઓ અહીં આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરીની આજુબાજુમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટ, મહાનગર પાલિકાની કચેરીઓ તો આવેલી જ છે, ઉપરાંત તેની બાજુમાં પણ જિલ્લા અને રાજ્ય કક્ષાની કચેરીઓ ધરાવતું સહયોગ સંકુલ આવેલું છે. સ્વાભાવિક રીતે જ છેલ્લે થયેલી નવી ભરતીઓ દરમિયાન મહિલા કર્મચારીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. આ મહિલા કર્મચારીઓ પૈકી નાના બાળકોની માતા હોય તેમના માટે મોટી સમસ્યા ઉભી થતી હોવાથી અધિક નિવાસી કલેક્ટર દ્વારા કલેક્ટર કચેરીના બિલ્ડીંગમાં ઘોડિયા ઘરની સુવિધા ઉભી કરવામાં આવે તેના માટે પહેલ કરાઇ હતી અને તેના પગલે બિલ્ડીંગમાં ચોથા માળે જગ્યા ફાળવવામાં આવતાં પાટનગર યોજના વિભાગ દ્વારા ત્યાં ઘોડિયા ઘર તૈયાર કરી આપવામાં આવ્યું છે, જેને પ્રભારી મંત્રી હસ્તે ખુલ્લુ મુકવામાં આવે તેવી શક્યતા છે.
જિલ્લા કલેક્ટર કચેરીમાં અધિકારીઓ માટે યોજવામાં આવતી બેઠકો અથવા મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ તંત્રના અધિકારીઓ સહિત બેઠકનું આયોજન કરવા સમયે હાલનો કોન્ફરન્સ રૂમ ખુબ નાનો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં અધિકારી, કર્મચારીઓ ભેગા થયા હોય ત્યારે ચાલવાની જગ્યા પણ રહેતી નથી, કેમ કે બે કતારમાં ખુરશીઓ મુકવી પડે છે. જેના પગલે હાલના કોન્ફરન્સ રૂમની જગ્યા ઉપરાંત પેસેજની જગ્યાને પણ સાંકળી લઇને નવો વિશાળ કોન્ફરન્સ રૂમ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.